Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

વ્યાજદરો યથાવત : EMI નહિ ઘટેઃ ગ્રોથ અનુમાન ૯.૫%

રિઝર્વ બેંકે જાહેર કરી ક્રેડિટ પોલીસી : MSME - બીજા સેકટરો માટે રાહતોનો વરસાદ : MSME માટે ૧૬૦૦ કરોડની લીકવીડીટી સુવિધા : રેસ્ટોરન્ટ અને બ્યુટી પાર્લર પણ બેંકો પાસેથી લોન લઇ શકશે : RBIએ શરૂ કરી ૧૫૦૦૦ કરોડની ઓન - ટોપ - લીકવીડીટી

નવી દિલ્હી તા. ૪ : આરબીઆઇના ગવર્નર શકિતકાંત દાસે રીઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ અનેક એલાન કર્યા છે. આરબીઆઇની નાણાકીય નીતિ સમિતિના કોરોનાના પ્રભાવને ઘટાડવાના કારણે પોલીસી રેટમાં કોઇ ફેરફાર ન કરવાનો નીર્ણય કર્યો છે. એટલે કે રેપોરેટ અને રિવર્સ રેપો રેટના દરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપોરેટ પહેલાની સમાન ૪ ટકા અને રીવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા છે. માર્જિનલ સ્ટેન્ડીંગ ફેસિલિટી રેટ પણ ૪.૨૫ ટકા પર છે. એટલે કે તેમની ઇએમઆઇ અથવા લોનની વ્યાજદરો પહેલા સમાન જ રહેશે. તેમાં કોઇ નવી રાહત આપવામાં આવી નથી.

વધુમાં ગવર્નર શકિતકાંત દાસે એ પણ જણાવ્યું કે ફિસ્કલ યર ૨૦૨૧માં રિયલ જીડીપી -૭.૩ ટકા રહ્યો. બીજી બાજુ એપ્રિલમાં મોંઘવારી દર ૪.૩ ટકા રહ્યો જે રાહત સમાન છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે, સારા મોન્સુનથી ઇકોનોમીનું રિવાઇવલ શકય છે. આરબીઆઇની કમિટિએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી કોરોના ખત્મ નહી થાય ત્યાં સુધી નાણાકીય વલણ 'ઉદાર' રહેશે.

આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે દેશની જીડીપીનો અંદાજ ૧૦.૫ ટકાથી ઘટીને ૯.૫ ટકા કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ મોંઘવારી દર પર દાસે કહ્યું કે, પ્રથમ તિમાહીમાં મોંઘવારી દર ૫.૨૦ ટકા રહેશે. બીજી તિમાહીમાં ૫.૪ ટકા, ત્રીજી તિમાહીમાં ૪.૭ અને ચોથી તિમાહીમાં તે ૫.૩ ટકા રહેશે.

ગવર્નર શકિતકાંત દાસે કહ્યું કે, પ્રાઇસ પ્રેશરને ઘટાડવા માટે સરકારનું પગલુ જરૂરી છે. સુસ્ત માંગના કારણે પ્રાઇસ પ્રેશરનું દબાણ છે. મોંઘા ફૂડ અને લોજીસ્ટિકસ કોસ્ટમાં ઉછાળથી પ્રાઇસ પ્રેશરની સ્થિતિ બનેલી છે. આવા માહોલમાં દરેક પ્રકારે પોલીસી સપોર્ટ જરૂરી છે. વધુમાં ઉમેર્યું કે, રસીકરણથી અર્થવ્યવસ્થામાં સ્થિરતા આવવી શકય છે. ગ્લોબલ ટ્રેન્ડ સુધરવાથી આયાત વધશે. તેની સાથે જ આરબીઆઇએ જણાવ્યું કે, G-SAP 1.0 ને સારો રીસ્પોન્સ મળ્યો છે. ત્યારબાદ હવે G-SAP 2.0 ને લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બીજી બાજુ ટુરીઝમ તેમજ હોસ્પિટાલિટી સેકટરને કોરોના મહામારીથી ઉભરવા માટે રિઝર્વ બેંકના ગવર્નરે એલાન કર્યું કે, બેંકોના માધ્યમથી આ સેકટરને રાહત આપવામાં આવશે. દાસે કહ્યું કે ૧૫ હજાર કરોડની રોકડની વ્યવસ્થા બેંકોને જશે. તેનાથી રેસ્ટોરન્ટ, બસ ઓપરેટરર્સ, ટુરીઝમ, બ્યુટીપાર્લર અને એવીએશન સર્વિસેઝને યોગ્ય લેન્ડીંગ સપોર્ટ મળશે. એમએસએમઇ માટે ૧૬૦૦ કરોડની લિકિવડિટી ફેસિલિટી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇની નાણાકીય સમિતિની ત્રણ દિવસીય બેઠક બુધવારે શરૂ થઇ હતી.

(3:09 pm IST)