Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પ્રોજેક્ટ ૭૫-ઈન્ડિયા અંતર્ગત ૬ સબમરીન નિર્માણ માટે મંજૂરી

સંરક્ષણ મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય : ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ સ્વદેશી કંપની મઝગાંવ ડૉક્સ લિમિટેડ અને એલ એન્ડ ટીને સોંપાયો

નવી દિલ્હી, તા. ૪  : સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો કરવા માટે શુક્રવારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે પ્રોજેક્ટ ૭૫-ઈન્ડિયા અંતર્ગત ૬ સબમરીનના નિર્માણ માટે મંજૂરી આપી દીધી છે. ઘણા લાંબા સમયથી આ પ્રોજેક્ટ અટકેલો હતો જેને હવે પૂરો કરવામાં આવશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. સ્વદેશી કંપની મઝગાંવ ડૉક્સ લિમિટેડ અને એલ એન્ડ ટીને આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે બંને કંપનીઓ કોઈ એક વિદેશી શિપયાર્ડ સાથે મળીને સમગ્ર પ્રોજેક્ટની જાણકારી સોંપશે અને બિડ લગાવશે.

દરિયાઈ ક્ષેત્રોમાં પોતાનો પાવર વધારવા માટે ભારતીય નેવીએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે. તેના અંતર્ગત ૬ વિશાળ સબમરીન બનાવવામાં આવશે જે ડીઝલ-ઈલેક્ટ્રિક બેઝ્ડ હશે. તેની સાઈઝ વર્તમાન સ્કોર્પિયન ક્લાસ સબમરીન કરતા ૫૦ ટકા મોટી હશે. ભારતીય નેવી દ્વારા સબમરીન માટે જે ડિમાન્ડ રાખવામાં આવી છે તેમાં તે હેવી ડ્યુટી ફાયરપાવરની સુવિધા ઈચ્છે છે. જેથી એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલની સાથે સાથે ૧૨ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલને પણ તૈનાત કરી શકાય.તે સિવાય નેવી સબમરીનમાં ૧૮ હેવીવેઈટ ટોરપીડો લઈ જવાની ક્ષમતા ઈચ્છે છે. ભારતીય નેવી પાસે આશરે ૧૪૦ સબમરીન અને સરફેસ વોરશિપ છે જ્યારે પાકિસ્તાન નેવી સાથે સરખામણી કરીએ તો તેમના પાસે માત્ર ૨૦ જ છે. પરંતુ ભારતનો મુકાબલો માત્ર પાકિસ્તાન નહીં પણ ચીન સામે પણ છે જે સતત હિંદ મહાસાગરમાં પોતાની સત્તા વધારવા પ્રયત્ન કરી રહ્યું છે. આ કારણે જ ભારતે અરબ સાગરથી લઈને શ્રીલંકા સાથે જોડાયેલા દરિયા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

(7:32 pm IST)