Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

કામ પર પાછા ફરવાના આદેશ બાદ જુનિયર ડોક્ટર્સનાં રાજીનામા

એમપીમાં જુનિયર્સ ડોક્ટર્સ માગણીને લઈ આકરા પાણીએ : સરકારે ત્રીજા વર્ષના જુનિયર ડૉક્ટર્સના એનરોલમેન્ટ રદ્દ કર્યા હવે તેઓ પરીક્ષામાં કેવી રીતે બેસશે એ સવાલ

નવી દિલ્હી, તા. ૪ : મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પોતાની વિવિધ માંગણીઓને લઈ ૩ દિવસ પહેલા હડતાળ પર ઉતરેલા ૬ સરકારી મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર્સને ગુરૂવારે ૨૪ કલાકમાં કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશના ગણતરીના કલાકોમાં જ આશરે ૩,૦૦૦ જુનિયર ડૉક્ટર્સે સામૂહિક રાજીનામુ આપી દીધું હતું.

મધ્ય પ્રદેશ જુનિયર ડૉક્ટર્સ અસોસિએશન (જૂડા)ના અધ્યક્ષ અરવિંદ મીણાના કહેવા પ્રમાણે પ્રદેશની ૬ મેડિકલ કોલેજના આશરે ૩,૦૦૦ જુનિયર ડૉક્ટર્સે ગુરૂવારે પોતપોતાની મેડિકલ કોલેજીસના ડીનને સામૂહિક રાજીનામુ આપી દીધું હતું. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ત્રીજા વર્ષના જુનિયર ડૉક્ટર્સના એનરોલમેન્ટ રદ્દ કરી દીધા છે માટે હવે તેઓ પરીક્ષામાં કેવી રીતે બેસશે.

પીજી કરી રહેલા જુનિયર ડૉક્ટર્સને ૩ વર્ષમાં ડિગ્રી મળે છે જ્યારે ૨ વર્ષમાં ડિપ્લોમા મળે છે. મીણાએ જણાવ્યું કે, મધ્ય પ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને પડકારવા તેઓ ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટના બારણે ટકોરા મારશે. તેમણે મેડિકલ ઓફિસર્સ અસોસિએશન અને ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડૉક્ટર્સ અસોસિએશન તેમના સાથે હોવાની માહિતી આપી હતી.

(7:36 pm IST)