Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ભારતે કોરોનાની બીજી લહેરનો સારી રીતે સામનો કર્યો : હવે ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શરૂ થવાની આશંકા : નીતિ આયોગ

ત્રીજી લહેરમાં યુવાનો અને બાળકોની વસ્તી વધારે પ્રભાવિત થવાની આશંકા

નવી દિલ્હી : નીતિ આયોગના સભ્ય વીકે સારસ્વતે કહ્યું કે, ભારતે કોરોનાની બીજી લહેરનો સામનો ખૂબ જ સારી રીતે કર્યો છે. જેના કારણે સંક્રમણના નવા કેસોમાં ઘણી કમી આવી છે. આ સાથે જ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે પણ તૈયારી પૂરી થવી જોઈએ. જેમાં યુવાનો અને બાળકોની વસ્તી વધારે પ્રભાવિત થવાની આશંકા છે.

સારસ્વતે કહ્યું કે, ભારતના મહામારી એક્સપર્ટોએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, કોરોનાની ત્રીજી લહેર પણ આવશે, જે સપ્ટેમ્બર-ઓક્ટોબરથી શરૂ થવાની આશંકા છે. આથી દેશમાં વધુમાં વધુ લોકોને વૅક્સિન આપવી જોઈએ. મને લાગે છે કે, આપણે મહદઅંશે શ્રેષ્ઠ કામગીરી કરી છે. આપણે કોરોનાની બીજી લહેરનો શ્રેષ્ઠ રીતે સામનો કર્યો અને આ તેનું જ પરિણામ છે કે, સંક્રમણના નવા કેસો ઝડપથી ઘટી રહ્યાં છે.

દેશમાં પહેલા 4 લાખથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સંક્રમણના નવા કેસોની સંખ્યા ઝડપથી ઘટીને લગભગ 1.3 લાખ પર આવી ગઈ છે. સારસ્વતે કહ્યું કે, કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ ભારતનું મેનેજમેન્ટ શ્રેષ્ઠ હતુ અને તેણે દેશને કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવાનો આત્મવિશ્વાસ પણ અપાવ્યો.

 

સરકારે એક વખત ફરીથી કોરોનાને લઈને ચેતવણી જાહેર કરી છે. નીતિ આયોગના સભ્ય વીકે પૉલે કહ્યું કે, જો લોકો આવું જ ફરીથી કરવા લાગશે, જેમ ડિસેમ્બર-જાન્યુઆરીમાં કરી રહ્યાં હતા, તો એક વખત ફરીથી મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા મુજબ, કોરોનાની બીજી લહેરની પીકની સરખામણીમાં હવે સામે આવી રહેલા દૈનિક કેસોમાં 68 ટકાનો ઘટાડો થયો છે. લગભગ 377 જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ 5 ટકાથી પણ ઓછો છે અને માત્ર 257 જિલ્લા એવા છે, જ્યાં પ્રતિદિન 100થી વધુ કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે.

ડૉ પોલે જણાવ્યું કે, આ બધુ એમ જ નથી થઈ રહ્યું. આપણે વાઈરસને ટ્રાવેલ કરવું મુશ્કેલ કરી નાંખ્યું છે. જો કે આપણે યાદ રાખવું પડશે કે, જ્યારે પીક ઓછી થઈ જાય છે, ત્યારે આપણે ફરીથી એવું જ કરવા લાગીએ છીએ, જેમ જાન્યુઆરીમાં કરતા હતા. જો આવું કરીશું તો, પીક ફરીથી પરત આવશે.

જો આપણે અચાનક જાન્યુઆરી, ફેબ્રુઆરીની સ્થિતિમાં પરત જઈએ છીએ, તો આગામી લહેર ઝડપી હશે અને ઝડપથી પોતાના ચરમ પર પહોંચશે, પરંતુ જો આપણે કોવિડ ગાઈડ લાઈન્સનું વ્યવસ્થિત પાલન કરવાનું ચાલુ રાખીશું, તો લહેર નાની હશે અને ના પણ આવી શકે. હવે આપણે નક્કી કરવું પડશે કે, જેમ બને તેમ વધુમાં વધુ લોકોને કોરોનાની વૅક્સિન અપાઈ ચૂકી હોવી જોઈએ.

(10:24 pm IST)