Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

નવું રહસ્ય ખૂલશે

પનામા પેપર્સ લીકનાં ૫ વર્ષ બાદ હવે પેન્ડોરા પેપર્સ સામે આવશે : કેટલાક શ્રીમંત લોકોની કાળી કમાણીનું રહસ્ય ખૂલશે

નવી દિલ્હી, તા.૪: વર્ષ ૨૦૧૬માં ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેશન જર્નલિસ્ટ (ICIJ)એ પનામા પેપર્સ લીક કર્યા હતા. ત્યારે વિશ્વને ધ્યાનમાં આવ્યું હતું કે પનામા જેવા ટેકસ હેવન્સ દેશોમાં શ્રીમંત લોકો કેવી રીતે તેમની કાળી કમાણીનું રોકાણ કરે છે. હવે પનામાના મુદ્દે પેન્ડોરા પેપર્સની તપાસને લગતા દસ્તાવેજ સામે આવ્યા છે. એને પણ ICIJ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે એવું માનવામાં આવે છે કે આ અંગેની માહિતી એક અથવા બે દિવસમાં પત્રકારોનો તપાસ અહેવાલ સામે આવી જશે. આ માહિતીમાં અનેક આદ્યાતજનક ખુલાસા થઈ શકે છે.

મધ્ય અમેરિકાના દેશ પનામાને ટેકસ હેવન્સ દેશ તરીકે ઓળખવામાં આવે છે. અહીં શ્રીમંત લોકો પૈસા આપીને નાગરિકતા પ્રાપ્ત કરે છે. ઈન્વેસ્ટમેન્ટના નિયમ અને કાયદા ઘણા સરળ છે. વર્ષ ૨૦૧૬માં પનામા પેપર્સ લીક સામે આવ્યું હતું. તેને પણ ICIJ દ્વારા જ લીક કરવામાં આવ્યા હતા. ભારત સહિત વિશ્વના અનેક દેશોના શ્રીમંત લોકોના નામ તે સમયે સામે આવ્યા હતા. હવે પેન્ડોરા પેપર્સ સામે આવશે.

પનામા સરકારને ડર છે કે પેન્ડોરા પેપર્સને લીધે વિશ્વમાં તેમની પ્રતિષ્ઠાને ફરી આંચ આવી શકે છે. તેની પાછળનું કારણ છે કે એક લીગલ ફર્મ મારફતે ICIJના આ પેપર જાહેર નહીં કરવા માટે એક સત્ત્।ાવાર પત્ર પણ પ્રગટ કર્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરના આ દસ્તાવેજો જાહેર થવાથી પનામા અંગે ફરીથી ખોટી ધારણા બનશે. તેનાથી પનામા અને તેના લોકોને નુકસાન થશે.

ICIJએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે અમે રવિવારે અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક તપાસ સંબંધિત દસ્તાવેજ જાહેર કરશું. આ માટે વિશ્વભરમાંથી ૧૨ કરોડ દસ્તાવેજની તપાસ થઈ છે. ૧૧૭ દેશના ૬૦૦ જર્નાલિસ્ટ ઈન્વેસ્ટીગેશનમાં સામેલ થયા છે. પનામા સરકારનું કહેવું છે કે તેણે રોકાણ સંબંધિત અનેક સુધારા કર્યાં છે, જોકે આ સાથે એ પણ હકીકત છે કે યુરોપિયન યુનિયને હજુ પણ પનામાને ટેકસ હેવન દેશોની યાદીમાં રાખે છે. પનામા સરકારનું કહેવું છે કે ૫ વર્ષમાં તેણે ૩ લાખ ૯૫ હજાર કંપનીના રજિસ્ટ્રેશન રદ્દ કર્યાં છે. પનામા અંગે એવું કહેવામાં આવે છે કે આ ડમી કંપનીઓ (શેલ કંપનીઓ) તૈયાર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ સંબંધિત દેશોમાં ટેકસ ચોરી માટે કરવામાં આવે છે.       

તે વિદેશી લીકની તપાસ તથા તેને સાથે સંકળાયેલી આશરે ૩.૨ લાખ વિદેશી કંપની તથા ટ્રસ્ટો પાછળ રહેલા લોકોની તપાસ કરવાનો પ્રયત્નનો હિસ્સો છે. પનામાની લો ફાર્મ મોસેક ફોંસેકાના ડેટા સેન્ટરથી મેળવવામાં આવેલ ગુપ્ત માહિતીની ચર્ચા 'પનામા પેપર્સ' સ્વરૂપમાં થઈ હતી. મોસેક ફોંસેકાની ૧.૧૫ કરોડથી વધારે ફાઈલનો ડેટા લીક થયો હતો. ત્યારે વર્ષ ૧૯૭૭થી ૨૦૧૫ના અંત સુધી જાણકારી આપવામાં આવી હતી.

(10:07 am IST)