Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

પનામા બાદ હવે પંડોરા પેપર્સ લીક ખળભળાટ મચાવે છે

ભારત સહિત દુનિયાભરના અનેક શ્રીમંતોની કાળી કમાણીના રહસ્યો ખુલ્યા

જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ભારતની ૩૦૦ તથા પાકિસ્તાનની ૭૦૦ હસ્તીઓના નામ : સચિન તેંડુલકર, અનિલ અંબાણી, કિરણ મજુમદાર શાહના પતિ, નિરવ મોદીની બહેન વગેરેના નામો જાહેર : ખુદને નાદાર ગણાવનાર અનિલ અંબાણીની વિદેશમાં ૧૮ કંપનીઓ : સચિનની પણ વિદેશમાં સંપત્તિઓ

નવી દિલ્હી તા. ૪ : વિશ્વના કેટલાક સૌથી શ્રીમંત અને શકિતશાળી લોકો જેટલા શ્રીમંત દેખાય છે એના કરતા અનેક વખત તેઓની સંપત્તિ ધાર્યા કરતા પણ વધારે હોય છે. તફાવત માત્ર એટલો છે કે આ સંપત્તિ છુપાયેલી હોય છે અને તેની માહિતી કેટલાક લોકો સિવાય કોઇ પાસે હોતી નથી પરંતુ આવી સંપત્તિઓનો જ્યારે ખુલાસો થાય છે ત્યારે દુનિયા જોતી રહી જાય છે. ગુપ્ત સોદાઓ અને છુપાવામાં આવેલ સંપત્તિનો આવો જ એક ખુલાસો પંદોરા પેપર્સમાં કરવામાં આવ્યો છે. જેમાં શ્રીમંતો અને શકિતશાળી લોકો અંગે સનસનીખેજ ખુલાસા કરવામાં આવ્યા છે.

પનામા પેપર્સ બાદ હવે પંડોરા પેપર્સના નામથી લીક થયેલા કરોડો દસ્તાવેજમાં ભારત સહિત ૯૧ દેશોના વર્તમાન તથા પૂર્વ નેતાઓ, ઓફિસરો અને જાણીતી હસ્તીઓના નાણાકીય રહસ્યોને ઉજાગર કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજોમાં સૌથી ચોંકાવનારૂ નામ જાણીતા ક્રિકેટ સચિન તેંડુલકરનું છે. સાથોસાથ તેમાં ભારતના ૬ અને પાકિસ્તાનના ૭ રાજકીય નેતાઓના નામ સામિલ છે. ઇન્ટરનેશનલ કંસોર્ટયમ ઓફ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં સચિન તેંડુલકર ઉપરાંત અનિલ અંબાણી, નિરવ મોદીની બહેન, કિરણ મજુમદાર શાહના પતિની સંપત્તિ અને કારોબાર અંગે પડદો ઉઠાવવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં દુનિયાભરના ૧.૧૯ કરોડ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. તપાસમાં ૧૧૭ દેશોના ૬૦૦ રિપોર્ટર સામેલ હતા. ઇન્ડીયન એકસપ્રેસના અહેવાલ અનુસાર બ્રિટનની કોર્ટમાં ખુદને નાદાર ગણાવનાર અનિલ અંબાણીની વિદેશોમાં ૧૮ કંપનીઓ છે. જ્યારે નિરવ મોદીની બહેન અંગે દાવો કરવામાં આવ્યો છે કે નિરવ ભાગી ગયો તેના એક મહિના બાદ તેની બહેને એક ટ્રસ્ટ બનાવ્યું હતું. રિપોર્ટ અનુસાર કિરણ મજુમદાર શાહના પતિએ ઇનસાડર ટ્રેડીંગના આરોપમાં પ્રતિબંધિત કરવામાં આવેલા એક વ્યકિતની મદદથી એક ટ્રસ્ટની શરૂઆત કરી હતી. આ રિપોર્ટમાં ૩૦૦થી વધુ ભારતીયના નામ છે. જેમાં લગભગ ૬૦ ટોચની વ્યકિત અને તેમની કંપનીઓની તપાસ કરી વિગતો એકઠી કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર પનામા પેપર્સ ખુલાસાના ત્રણ મહિના બાદ સચિન તેંડુલકરે બ્રિટીશ વર્જન આઇલેન્ડમાં પોતાની સંપત્તિ વેચવાની પહેલ કરી હતી. તેંડુલકર ઉપરાંત એવી અનેક ભારતીય હસ્તીઓ છે જેમણે ૨૦૧૬ના ડેટા લીક બાદ વિદેશમાં પોતાની સંપત્તિમાં ફેરફાર કે તેને વેચવાના પ્રયાસો કર્યા હતા.

જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં ૧૦૦ ધનકુબેરો ઉપરાંત રૂસ, ભારત, પાકિસ્તાન, યુકે અને મેકિસકોની હસ્તીઓની સંપત્તિ મળી છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનના ૭૦૦ લોકોના નામ છે. ઇમરાનના નજીક અને કેટલાક પ્રધાનો સહિતના નામો આ રિપોર્ટમાં છે.

ફાઇલ રિપોર્ટમાં પોપ સ્ટાર શકીરા અને સુપર મોડેલ કલાઉડીયાનું નામ પણ છે. ૧૧૭ દેશોના ૧૫૦ મિડીયા હાઉસના ૬૦૦થી વધુ પત્રકારોએ શ્રીમંત લોકોના નાણાકીય રહસ્યોનો પર્દાફાશ કરવા માટે ૧.૧૯ કરોડથી વધુ ગુપ્ત ફાઇલો મેળવી છે.

(11:06 am IST)