Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

શાહરૂખ પુત્ર આર્યનની વોટ્‍સએપ ચેટે ખોલ્‍યા અનેક રાઝઃ નિયમિત ડ્રગ્‍સ મંગાવતો અને સેવન કરતો હોવાનો આરોપ

ક્રૂઝ ડ્રગ્‍સ પાર્ટી કેસમાં આર્યન સહિત ત્રણને મેટ્રોપોલિટન મેજીસ્‍ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યા

મુંબઇ,તા. ૪: બોલીવૂડ સુપરસ્‍ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ મુંબઈ ક્રૂઝ ડ્રગ્‍સ કેસમાં આવ્‍યું છે. એસીબીએ મુંબઈ-ગોવા ક્રૂઝ પર રેડ કરીને આર્યન ખાન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. ચાર કલાક સુધી પૂછપરછ બાદ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. શાહરૂખ પુત્ર અને તેના મિત્રો આ ક્રૂઝ પર ડ્રગ્‍સ સાથે પકડાયા હતા. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો આર્યન ખાનની વ્‍હોટ્‍સએપ ચેટને લઈને થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ આ જ ચેટને પગલે આર્યન ખાન સામેનો કેસ વધુ મજબૂત થયો છે અને તે નિયમિત ડ્રગ્‍સ લેતો હોવાની વાતને સમર્થન મળ્‍યું છે. સૂત્રોના મતે શાહરૂખના પુત્ર અને અન્‍ય બે લોકોને આજે મેટ્રોપોલિટન મેજીસ્‍ટ્રેટની કોર્ટમાં હાજર કરાયા છે. એડવોકેટ સતિષ માનેશિંદે આર્યન ખાનનો પક્ષ કોર્ટમાં રજૂ કરશે.  
એનસીબીએ શનિવારે રાત્રે ક્રૂઝ પર રેડ કરી હતી જેમાં કેટલાક લોકો રેવ પાર્ટી માટે એકત્ર થયા હતા. આ પાર્ટીમાં બાલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ હતો. પોલીસે આર્યન સહિત આઠ લોકોની અટકાયત કરી તેમની ચાર કલાક સુધી સઘન પૂછપરછ કરી હતી અને બાદમાં આર્યન તેમજ અન્‍ય બે લેકોની ધરપકડ કરવામાં આવી હતી. આર્યનની પૂછપરછ દરમિયાન તેની વ્‍હોટ્‍સ એપ ચેટની પણ તપાસ કરવામાં આવી હતી. ફોન તપાસતા માલૂમ પડ્‍યું હતું કે આયર્ન નિયમિત રીતે ડ્રગ્‍સ મંગાવતો હતો તેમજ તેનું સેવન પણ કરતો હતો. આ વિગતોને પગલે તેની વિરુદ્ધ કેસ વધુ મજબૂત બની ગયો છે.
એનસીબીના અધિકારીઓને શનિવારે મધદરિયે ક્રૂઝમાં રેવ પાર્ટી થતી હોવાની બાતમી મળી હતી. આ પાર્ટીમાં બિન્‍દાસ્‍ત રીતે ડ્રગ્‍સનો ઉપયોગ કરવામાં આવતો હોવાના પોલીસને ઈનપૂટ મળ્‍યા હતા. પોલીસ અધિકારીઓ આ ક્રૂઝમાં સામાન્‍ય પ્રવાસીના વેશમાં પ્રવેશ્‍યા હતા. ક્રૂઝ મુંબઈથી ગોવા વચ્‍ચે દરિયામાં પહોંચ્‍યું ત્‍યારે પાર્ટી શરૂ થઈ હતી. આ પાર્ટીમાં કેટલાક લોકો ડ્રગ્‍સ લેતા હોવાનું માલુમ પડ્‍યું હતું. પોલીસે રેડ કરીને આઠ જેટલા લોકોને ડિટેઈન પણ કર્યા હતા. કેટલાક લોકોએ પોતાના અંડરવેરમાં, કેટલાકે પર્સમાં તો કેટલાકે કપડામાં ડ્રગ્‍સ છુપાવ્‍યું હતું.
બાદમાં એનસીબીએ આર્યન ખાન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ તમામ શખ્‍સો સામે સેક્‍શન 8C, 20B, 27, 35 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ છે.

 

(10:20 am IST)