Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

દેશમાં ખાંડનું ઉત્પાદન 42 ટકા વધીને 110.22 લાખ ટને પહોંચ્યુઃ ઈસ્મા

સુગર મિલો દ્વારા પિલાણની કામગીરી પણ ઝડપી બની

 

મુંબઇઃ દેશમાં શેરડીનું ઉત્પાદન વધવાની સાથે-સાથે સુગર મિલો દ્વારા પિલાણની કામગીરી પણ ઝડપથી કરાતા ખાંડનું ઉત્પાદન ચાલુ સીઝનમાં 42 ટકા વધ્યુ છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા)ના આંકડા મુજબ દેશમાં ચાલુ સુગર સીઝનમાં ડિસેમ્બર અંત સુધી ખાંડનુ કુલ ઉત્પાદન 110.22 લાખ ટને પહોંચી ગયુ છે જે વાર્ષિક તુલનાએ ઉત્પાદનમાં 42 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે પાછલી સીઝનમાં સમીક્ષાધીન સમયગાળામાં 77.63 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ. ભારતમાં સુગર સીઝન ઓક્ટોબરથી સપ્ટેમ્બર ગણાય છે.

ઇસ્માનું કહેવુ છે કે, સીઝન વર્ષ 2020-21માં 31 ડિસેમ્બર સુધી 481 ખાંડ મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 437 મિલોમાં શેરડીનું પિલાણ થઇ રહ્યુ હતુ.

ઇસ્માના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં ચાલુ સીઝનમાં 179 ખાંડ મિલો ચાલી રહી છે જ્યારે વિતેલ સીઝનમાં સમાન સમય સુધી 135 ખાંડ મિલો ચાલી રહી હતી. રાજ્યમાં ચાલુ સીઝનમાં અત્યાર સુધી 39.86 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. વિતેલ સીઝનમાં તેનું ઉત્પાદન અત્યાર સુધી 16.50 લાખ ટન હતુ. આવી રીતે તેનું ઉત્પાદન પાછલા વર્ષે સમાન સમયગાળાથી 23.36 લાખ ટન વધારે છે. ઉત્તર પ્રદેશમાં 31 ડિસેમ્બર 2020 સુધી 33.66 લાખ ટનખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા પાછલા વર્ષે સમાન સમયગાળામાં તેનું ઉત્પાદન 33.16 લાખ ટન હતુ. રાજ્યમાં 120 ખાંડ મિલોમાં શેરડીનું પિલાણ થઇ રહ્યુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 119 ખાંડ મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી.

કર્ણાટકમાં 66 ખાંડ મિલો ચાલી રહી છે તેમજ 24.16 લાખ ટનખાંડનું ઉત્પાદન થયુ છે. રાજ્યમાં પાછલા વર્ષે સમાન સમયગાળામાં તેનું ઉત્પાદન 16.33 લાખ ટન હતુ તેમજ 63 ખાંડ મિલો ચાલી રહી હતી.

ગુજરાતમાં 31 ડિસેમ્બર સુધી કુલ ઉત્પાદન 3.35 લાખ ટન થયુ છે. જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 2.65 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ. રાજ્યમાં 15 ખાંડ મિલો ચાલી રહી છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં પણ 15 ખાંડ મિલો ચાલી રહી હતી. તમિલનાડુમાં 19 ખાંડ મિલોમાં ઉત્પાદન થઇ રહ્યુ છે તેમજ અત્યાર સુધી 85 હજાર ટન ખાંડનું ઉત્પાદન થયુ છે જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 95 હજાર ટન ખાંડનું ઉત્પાદન થયુ હતુ. આંધ્રપ્રદેશ તેમજ તેલંગાણામાં 12 ખાંડ મિલો અત્યાર સુધી 94 હજાર ટન ખાંડનું ઉત્પાદન કરી ચૂકી છે. જ્યારે પાછલા વર્ષે સમાન સમયગાળામાં 18 ખાંડ મિલોએ 96 હજાર ટન ખાંડનું ઉત્પાદન કર્યુ હતુ.

ઇસ્માની માહિતી મુજબ 1લી ઓક્ટોબર 2020થી શરૂ થયેલી સીઝનમાં અત્યાર સુધી 2.5થી 3 લાખ ટન ખાંડની નિકાસ થઇ ચૂકી છે. સરકારે ચાલુ સીઝન માટે 60 લાખ ટન ખાંડનો નિકાસ લક્ષ્યાંક નક્કી કર્યો છે.

 

(8:30 am IST)