Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત

ટ્વિટ કરીને પોતાના સ્વાસ્થ્યની જાણકારી આપી

નવી દિલ્હી તા. ૪ : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં આ નવા વેરિયન્ટના ૧૭૦૦ જેટલા કેસ સામે આવ્યા છે. તેમાંથી ૬૩૯ લોકો સાજા થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે. દેશના ૨૩ રાજયોમાં ઓમિક્રોનના દર્દીઓ છે. દેશભરમાં એક દિવસમાં કોરોનાના ૩૩,૦૦૦થી વધારે કેસ નોંધાયા છે.

દેશની રાજધાની દિલ્હી સહિત દેશના વિવિધ શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સવારે ટ્વિટ કરીને પોતે પણ કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે તેઓ હળવા લક્ષણ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિયન્ટ હોય કે ડેલ્ટા વેરિયન્ટ, અત્યારે મોટાભાગના દર્દીઓમાં સામાન્ય લક્ષણો જ જોવા મળતા હોય છે.

અરવિંદ કેજરીવાલે ટ્વિટમાં લખ્યું છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. હું ઘરમાં જ આઈસોલેટ થઈ ગયો છું. જે લોકો પાછલા થોડા સમયમાં મારા સંપર્કમાં આવ્યા હોય તે જાતે જ પોતાને આઈસોલેટ કરે અને કોરોનાનો ટેસ્ટ પણ કરાવે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આ ટ્વિટ પર તેમના પ્રશંસકો, દિલ્હીના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો કમેન્ટ કરીને તેમને વહેલીતકે સાજા થઈ જવાની શુભકામના પાઠવી રહ્યા છે.

(12:00 am IST)