Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

૧૦૦ વિલફુલ ડિફોલ્ટર્સની ૬૨૦૦૦ કરોડની લોન માંડવાળ

રિઝર્વ બેંકે RTI એકટીવીસ્ટને આપ્યા આંકડાઃ જતિન મહેતાની વિઝડમ ડાયમંડ એન્ડ જવેલરીની રૂ.૩૦૯૮ કરોડની લોન માંડવાળ કરી : સરકારે વિજય માલ્યાની કિંગ ફીશર એરલાઇન્સની રૂ.૧૩૧૪ કરોડની લોન માંડવાળ કરીઃ ABG શિપયાર્ડની પણ રૂ.૧૮૭૫ કરોડની લોન 'રાઇટ ઓફ' કરાઇ

મુંબઇ, તા.૫: માર્ચ ૨૦૨૦ સુધીમાં જતીન મહેતાની કંપની વીન્સમ ડાયમન્ડ એન્ડ જવેલરી સહિતના ટોચના ૧૦૦ વીલકુલ ડીફોલ્ટર્સની લગભગ ૬૨૦૦૦ કરોડ રૂપિયાની લોન માંડવાળ કરી છે.

આરટીઆઇ એકટીવીસ્ટ બીશ્વનાથ ગોસ્વામીની અરજીના જવાબમાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આપેલી માહિતી અનુસાર મેહુલ ચોકસીની માલિકીની ગીતાંજલી જેમ્સ સૌથી મોટી વીલફૂલ ડીફોલ્ટર કંપની હતી. જેના નામે ૫૦૭૧ કરોડ રૂપિયાની એનપીએ હતી. બેંકે આ કંપનીની લોનમાંથી ૬૨૨ કરોડ રૂપિયા માંડવાળ કર્યા હતા.

બેંકે માંડવાળ કરેલી લોનોમાં વીન્સમ ડાયમંડસના ૩૦૯૮ કરોડ, બાસમતી ચોખ્ખાની આરઇઆઇ એગ્રોના ૨૭૮૯ કરોડ, કેમીકલ બનાવતી કંપની કુડોસ કેમીના ૧૯૭૯ કરોડ, કન્સ્ટ્રકશન કંપની ઝુમ ડેવલપર્સના ૧૯૨૭ કરોડ, જહાજ બનાવતી કંપની એબીજી શીપયાર્ડના ૧૮૭૫ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર વિજય માલ્યાની કિંગ ફીશર એરલાઇન્સના ૧૩૧૪ કરોડ રૂપિયા માંડવાળા કરાયા છે.

ગયા વર્ષના ઓગષ્ટમાં સેન્ટ્રલ બેંકે ટોપ ૧૦૦ વીલફૂલ ડીફોલ્ટર્સની યાદી આપવાની ના પાડયા પછી આરટીઆઇ એકટીવીસ્ટે એપેલેટે ઓથોરીટી રીઝર્વ બેન્કમાં તેને પડકારતી અપીલ કરી હતી.

જો કે સૂત્રો કહે છે કે આ ૧૦૦ લોકોના રૂ.૮૪૦૦૦ કરોડ માંડવાળ થયા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦માં બેંકોએ કુલ રૂ.૨.૩૮ લાખ કરોડની લોન માંડવાળ કરી છે જેનાથી માર્ચ ૨૦૨૦ના અંતે તેઓનું કુલ ગ્રોસ એનપીએ ૯.૧ ટકાથી ઘટીને ૮.૨ ટકા પર આવી ગયું છે.

(10:22 am IST)