Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

આઇટી : સેટલમેન્ટ કમિશન વિખેરાતા કરદાતાઓએ નવી અરજી કરવી પડશે

નવા બોર્ડમાં ચીફ કમિશનર કક્ષાના ત્રણ સભ્યની નિમણૂક કરવામાં આવશે

મુંબઇ,તા. ૫: નોટબંધી વખતે કાળા નાંણાથી હેરફેરમાં કરદાતાઓએ મસમોટો દંડ ભરવાના બદલે સેટલમેન્ટ કમિશનમાં જઇને મામલો થાળે પાડી રહ્યા હતા તે અંગેનો ભારે વિવાદ પણ સર્જાયો હતો. તેના કારણે કેન્દ્રીય બજેટમાં સેટલમેન્ટ કમિશનને જ વિખેરી નાંખવાનો નિર્ણય કર્યો છે. તેના બદલે હવે નવુ બોર્ડ બનાવવામાં આવશે. તેમાં આવા કેસની સુનાવણી થવાની છે.

ઇન્કમટેકસમાં એસેસમેન્ટની કાર્યવાહી દરમિયાન એસેસમેન્ટ ઓફિસર દ્વારા કરદાતાઓ દ્વારા રજુ કરવામાં આવેલા પુરાવા યોગ્ય નહી હોય, રિટર્નમાં જે આવક દર્શાવી હોય તેના કરતાં વધુ આવક હોય તેવા કિસ્સામાં ૧૩૩ ટકા દંડ વસૂલાતની જોગવાઇ કરવામાં આવી છે. તેનાથી બચવા માટે મોટાભાગના કરદાતાઓ સેટલમેન્ટ કમિશનમાં પહોંચી જતા હોય છે. કારણે કે સેટલમેન્ટ કમિશનમાં ટેકસની રકમમાં ઘટાડો કરી દેવામાં આવતો હોવાથી વ્યાપક ફરિયાદ ઉઠતી હોય છે. તેમજ થોડા સમય પહેલા આ અંગે ભારે વિવાદ પણ થયો હતો. આજ કારણોસર કેન્દ્ર દ્વારા રજુ કરાયેલા બજેટમાં સેટલમેન્ટ કમિશનર બંધ કરવાની જાહેરાત કરી છે. તેના બદલે નવુ ઇન્ટરીમ બોર્ડ બનાવવામાં આવશે. આ બોર્ડમાં ચીફ કમિશનર કક્ષાના ત્રણ સભ્યની નિમણુક કરવામાં આવશે. તેમાં બહુમતીના આધારે નિર્ણય લેવામાં આવનાર છે.

સેટલમેન્ટ કમિશનને વિખેરી નાંખવાનો નિર્ણય કરવામાં આવતા હાલમાં જે પણ કેસ ચાલી રહ્યા છે. તેને કરદાતાએ પરત ખેંચવા પડશે. તેમજ તે કેસની સુનાવણી એસેસમેન્ટ ઓફિસર પાસે કરાવવામાં આવ્યા બાદ તેમાં કોઇ વાંધો હોય તો ઇન્ટરીમ બોર્ડમાં ફરીથી અરજી કરવાની રહેશે.

નવા બોર્ડની કામગીરી પણ ફેસલેસ જ રખાશે

હાલમાં આઇટીની તમામ કામગીરી ફેસલેસ જ કરી દેવામાં આવી છે. તેમાં સેટલમેન્ટ કમિશનના બદલે નવું બનાવવામાં આવનાર બોર્ડની કામગીરી પણ ફેસલેસ જ રાખવામાં આવશે. જ્યારે પહેલા સેટલમેન્ટ કમિશનમાં પ્રત્યક્ષ જ સુનાવણી યોજવામાં આવતી હતી.

(10:25 am IST)