Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ફાઇઝર કંપનીએ વેકસીનના ઇમરજન્સી ઉપયોગની અરજી પરત ખેંચી

ભવિષ્યમાં વધુ માહિતી સાથે ફરી મંજુરી માંગવામાં આવશે : કંપનીનો મોટો નિર્ણય

નવી દિલ્હી તા. ૫ : ભારતમાં જયાં એક તરફ કોરોના વાયરસ મહામારી સામે રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાની ફાઇઝર નામક કંપનીએ પોતાની અરજી પરત ખેંચી લીધી છે.

અમેરિકાની કંપનીએ ભારતમાં કોરોના વાયરસની રસી માટે મંજૂરી માંગતી અરજી કરી હતી જેને હવે પાછી ખેંચી લેવામાં આવી છે. નોંધનીય છે કે આ કંપનીએ જર્મનીની BioNTech કંપની સાથે મળીને કોરોના વાયરસની રસીનો ડોઝ બનાવ્યો હતો.ઙ્ગ

કોરોના વાયરસની રસી મામલે કંપનીના અધિકારીઓ અને ભારતની ડ્રગ રેગ્યુલેટર વચ્ચે બેઠક કરવામાં આવી હતી અને તે બેઠક બાદ હવે કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે એ ફાઇઝર એવી પહેલી કંપની હતી જેણે આ મંજૂરી માંગી હતી.ઙ્ગ વેકિસન મુદ્દે થયેલી બેઠકમાં વધુ માહિતી માંગવામાં આવી હતી જે બાદ કંપનીએ અરજી જ પરત ખેંચી લીધી છે. કંપનીનું કહેવું છે કે ભવિષ્યમાં વધુ માહિતી સાથે ફરીથી મંજૂરી માંગવામાં આવશે.ઙ્ગ

નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસ સામે રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં અંદાજે ૫૦ લાખ લોકોને વાયરસની રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે અને કોરોના વાયરસનું સંક્રમણ પણ ધીમે ધીમે કંટ્રોલમાં આવી ગયું છે. ભારતમાં છેલ્લા ઘણા સમયથી વાયરસના દૈનિક નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાયરસને મ્હાત આપનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

(3:17 pm IST)