Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કાયદામાં કાળું શું છે એ તો કોઈ કહેઃ નરેન્દ્ર સિંહ તોમર

રાજ્યસભામાં નવા કૃષિ કાયદા પર કૃષિ મંત્રીનું નિવેદન : કાયદાનો વિરોધ એક રાજ્ય પુરતો જ સિમત છે, ખેડૂતોને ઉશ્કેરવામાં આવતા હોવાનો કેન્દ્રીય મંત્રીનો આક્ષેપ.

નવી દિલ્હી, તા. ૫ : કેન્દ્રના નવા કૃષિ કાયદા અંગે શુક્રવારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં પોતાની વાત રાખી. તેમણે કહ્યું કે, કૃષિ કાયદાને લઇને વિરોધ માત્ર એક રાજ્ય સુધી જ સીમિત છે અને ખેડૂતોને ઉશ્કેરવામાં આવી રહ્યાં છે.

નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, વિપક્ષ સરકારને ખેડૂત આંદોલન મુદ્દે ઘેરી રહ્યું છે અને ત્રણ નવા કાયદાને કાળા કાયદા બતાવી રહ્યાં છે. પરંતુ આ કાયદામાં કાળું શું છે. નવા કાયદા હેઠળ ખેડૂત પોતાના સામાનને ક્યાંય પણ વેચી શકે છે. જો એપીએમસી બહાર કોઇ ટ્રેડ હોય તો કોઇપણ પ્રકારનો ટેક્સ નહીં લાગે. હું ખેડૂત યુનિયનને બે મહિના સુધી પૂછતો રહ્યો કે, કાયદામાં કાળું શું છે.

કૃષિ મંત્રીએ કહ્યું કે, ભારત સરકાર કાયદામાં સંશોધન માટે તૈયાર છે. આનો અર્થ એ નથી કે કૃષિ કાયદામાં કોઇ ભૂલ છે. એક રાજ્યના લોકો ખોટી વાતનો શિકાર છે. ખેડૂતોને એ વાત માટે છેતરવામાં આવ્યા છે કે, આ કાયદા તેમની જમીન લઇ જશે. ખેડૂતોની આવક બમણી થાય તેના માટે સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજનાના માધ્યમથી ૬ રૂપિયાનું યોગદાન આપ્યું. આજે અમે કહી શકીએ છીએ કે, ૧૦ કરોડ ૭૫ લાખ ખેડૂતોને ૧.૧૫ લાખ કરોડ રૂપિયા ડીબીટી દ્વારા તેમના એકાઉન્ટમાં મોકલવાનું કામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનો એક્ટ રાજ્ય સરકારના ટેક્સને ખત્મ કરે છે. પરંતુ રાજ્ય સરકારનો કાયદો ટેક્સ આપવાની વાત કરે છે. જે ટેક્સ લેવા માગે છે તેમના વિરુદ્ધ આંદોલન થવો જોઇએ. પંજાબ સરકારના એક્ટ પ્રમાણે, જો ખેડૂત કોઇ ભૂલ કરે તો તેને સજા થશે, પરંતુ કેન્દ્ર સરકારના એક્ટમાં આવી કોઇ વાત નથી.

 

 

દિલ્હી, યુપી અને ઉત્તરાખંડ સિવાય દેશમાં ચક્કાજામનું ખેડૂતોનું એલાન

આજે ખેડૂતો દેશભરમાં ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કરશે : ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું એલાન : બપોરે ૧૨ વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી દેશના તમામ નેશનલ અને સ્ટેટ હાઈ-વે પર શાંતિપૂર્ણ ચક્કાજામ રહેશે

નવી દિલ્હી, તા. ૫ : નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ૬ ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે શનિવારે ચક્કાજામ કરવા જઈ રહ્યા છે. ખેડૂત યુનિયનોનું કહેવું છે કે આ ચક્કાજામ દેશવ્યાપી હશે. આ દરમિયાન મુખ્ય રસ્તાઓ પર ૬ ફેબ્રુઆરીએ બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી ગાડીઓ ચલાવવા દેવામાં આવશે નહીં. સિંઘુ બોર્ડર પાસે ૧ ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠકમાં આના પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે શુક્રવારે જણાવ્યું હતું કે જે લોકો અહીં નથી આવી શક્યા તેઓ પોત-પોતાના વિસ્તારમાં શનિવારે શાંતિપૂર્વક ચક્કાજામ કરશે.  ૬ ફેબ્રુઆરીએ. બપોરે ૧૨ વાગ્યાથી લઈને ૩ વાગ્યા સુધી દેશના મુખ્ય માર્ગો પર કોઈ ગાડી ચલાવવા દેવામાં આવશે નહીં,તમામ નેશનલ અને સ્ટેટ હાઈ-વે પર ચક્કાજામ રહેશે.

નેતા રાકેશ ટિકૈતના જણાવ્યા પ્રમાણે દિલ્હી, યુપી અને ઉત્તરાખંડમાં કોઈ પણ પ્રકારનો ચક્કાજામ નહીં થાય. આ સિવાય સમગ્ર દેશમાં ચક્કાજામ થશે. સંયુક્ત કિસાન મોર્ચાના જણાવ્યા પ્રમાણે ૨૬ જાન્યુઆરી બાદ આંદોલન કરી રહેલા ખેડૂતોના ઘણા ટ્રેક્ટરો અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી બોર્ડરની આજુબાજુની જગ્યાઓને સંપૂર્ણ રીતે બ્લોક કરવામાં આવી રહી છે. ધરણા ચાલી રહ્યા છે તે સ્થળો અને તેની આજુબાજુ વિજળી, પાણીનો પૂરવઠો તથા ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ મંજીત સિંહ રાયના જણાવ્યા પ્રમાણે આ ચક્કાજામ દ્વારા ખેડૂતો દેખાડવા ઈચ્છે છે કે તેઓ એકજૂટ થઈ ગયા છે. રાયે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ ખેડૂતોની સાથે છે. અમારે સરકારને અમારી તાકાત દેખાડવાની છે. સિંઘુ અને ટીકરી બોર્ડર પર બેઠેલા સંયુક્ત કિસાન મોર્ચાના નેતા સમગ્ર ચક્કાજામનું કોઓર્ડિનેટ કરશે.

ખેડૂત નેતાઓના જણાવ્યા પ્રમાણે બપોરે ૩ વાગ્યા સુધી ચક્કાજામ સમાપ્ત થઈ જશે ત્યારે તેઓ એક સાથે એક મિનિટ માટે પોતાની ગાડીઓનું હોર્ન વગાડશે. દિલ્હીમાં ચક્કાજામ નથી પરંતુ તેમ છતાં પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે. ચક્કાજામની સૌથી વધારે અસર પંજાબ અને હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જોવા મળે તેવી સંભાવના છે. તેવામાં ત્યાંની પોલીસ પણ સજ્જ છે.

કિસાન નેતા દર્શનપાલ સિંહે કહ્યું કે, અમે કાલે દિલ્હીમાં ચક્કાજામ નહીં કરીએ. અમે બોર્ડર્સ પર શાંતિપૂર્વક બેસીશું. અમે દિલ્હી ઉપરાંત સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય હાઇવે બંધ કરીશું. બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી ચક્કાજામ રહેશે.

કિસાન નેતાએ કહ્યું કે, અમે સિંધુ અને ટિકરી બોર્ડર પર શાંતિપૂર્વક બેસી રહીશું. બપોરે ૩ વાગ્યે ચક્કાજામ પૂરું થશે તો અમે એક સાથે એક મિનિટ માટે પોતાની ગાડીઓના હોર્ન વગાડીશું. ઇન્ટરનેટ બંધ થતાં અમને ઘણી મુશ્કેલી પડી રહી છે. સંયુક્ત કિસાન મોર્ચા અહીંથી જ ચક્કાજામ કોર્ડિનેટ કરશે.

(7:41 pm IST)