Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કોરોનાને લીધે વિશ્વમાં થયેલા મૃત્યુના મામલે ભારત ત્રીજા સ્થાને

બીજી લહેરને લીધે દેશમાં સ્થિતિ ખૂબ વણસી રહી છે : રિકવરી દર ઘટીને ૯૩.૩૬ ટકા થયો, સક્રિય દર્દીઓની સંખ્યા કુલ સંક્રમણના ૫.૩૨ ટકા થયો, સ્થિતિ વધારે ખરાબ

નવી દિલ્હી, તા.૪ : દેશમાં કોરોનાની બીજી લહેરને પગલે સ્થિતિ ખૂબ જ ઝડપથી વણસી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં સૌથી વધારે ૮૯,૦૦૦થી વધુ કોરોના સંક્રમિતો ભારતમાંથી મળ્યા છે. ઉપરાંત એક જ દિવસમાં ૭૧૪ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં થયેલા મૃત્યુ મામલે ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. દેશમાં આના પહેલા ૧૭ સપ્ટેમ્બરના રોજ એક દિવસમાં સર્વાધિક ૯૭,૦૦૦ નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે ૪ નવેમ્બરના રોજ સૌથી વધુ ૭૦૨ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. છેલ્લા એક દિવસમાં બ્રાઝિલમાં ૬૯,૬૬૨ અને અમેરિકામાં ૬૯,૯૮૬ નવા કેસ સામે આવ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૮૯,૧૨૯ સંક્રમિત મળ્યા. તેમાં ૮૧.૪૨ ટકા કેસ ૮ રાજ્યોમાંથી છે જ્યાં સ્થિતિ સૌથી ગંભીર છે. ઉપરાંત ૪૪,૨૦૨ દર્દીઓ સાજા પણ થયા છે. 

          આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૨૩,૯૨,૨૬૦ થઈ ગઈ છે જેમાંથી ૧,૬૪,૧૧૦ લોકોના મોત થયા છે. જ્યારે ૧,૧૫,૬૯,૨૪૧ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. સતત ૨૪ દિવસથી સંક્રમિતોની સંખ્યા વધી રહી હોવાથી દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૬,૫૮,૯૦૯ થઈ ગઈ છે જે કુલ સંક્રમણના ૫.૩૨ ટકા જેટલી છે. ઉપરાંત રિકવરી દર ઘટીને ૯૩.૩૬ ટકા થઈ ગયો છે. અગાઉ ૧૨ ફેબ્રુઆરીના રોજ સૌથી ઓછા ૧,૩૫,૯૨૬ સક્રિય દર્દીઓ હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, દિલ્હી, તમિલનાડુ, યુપી, પંજાબ અને મધ્ય પ્રદેશની સ્થિતિ સૌથી ખરાબ છે.

(12:00 am IST)