Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

પઝેશન માટે રાહ જોવાનું કહેનારા બિલ્ડરને પૈસા પરત આપવા હુકમ

વચન આપીને પલટી જતાં બિલ્ડર માટે ચુકાદા : યોગ્ય કારણ વગર બિલ્ડરે ૧૨ વર્ષ રાહ જોવા અરજદારને કહેતાં મહારાષ્ટ્ર રેરાએ મકાન બુક કરાવનારને ન્યાય અપાવ્યો

મુંબઈ, તા.૪ : દરેક વ્યક્તિ આખું જીવન પોતાના સપનાનું ઘર બનાવવા માટે દિવસ-રાત મહેનત કરતો હોય છે. જોકે ઘણીવાર એવું બને છે કે બિલ્ડરની મોટી મોટી વાતો અને જાહેરાતમાં આવીને વ્યક્તિ ભરાઈ પડે છે અને સપનાના ઘરની વાત તો દૂર પોતાની પરસેવાની કમાણી પણ ખોવાનો અથવા રુપિયા અટવાઈ જવાની સ્થિતિ ઉભી થાય છે. આવા જ એક કિસ્સામાં ફ્લેટને બુક કરાવ્યા પછી ગ્રાહકને ખોટી રીતે યોગ્ય કારણ વગર ૧૨ વર્ષ સુધી તેના પઝેશન માટે રાહ જોવી પડે તેમ હોવાના કિસ્સામાં મહારાષ્ટ્ર રિઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ બિલ્ડરને બુકિંગ માટે આપવામાં આવેલ રકમ રુ.૧૨ લાખ પરત કરવા માટે આદેશ આપ્યો છે. આ સાથે અરજકર્તાએ છેલ્લા ૬ વર્ષથી થયેલા માનસિક ત્રાસ પેટે વળતર માટે કરેલી અરજીને સંબંધિત ઓફિસમાં આગળ મોકલી દીધી છે. મહારેરા ઓથોરિટી દ્વારા નોંધ લેવામાં આવી કે પ્રીતિ સિંહે ઓગસ્ટ ૨૦૧૪માં પનવેલમાં અરિહંત એસ્પાયર ફેઝ ૧માં ફ્લેટ બૂક કરાવ્યો હતો.

            આ પ્રોજેક્ટ હજુ પૂરો થયો નથી અને પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં તેની પૂર્ણ થવાની તારીખ ૩૦ જૂન ૨૦૨૬ હતી. ૨૬ માર્ચના રોજ કરવામાં આવેલા ઓર્ડરમાં ઓથોરિટીના સભ્ય વિજય સતબિર સિંહએ જણાવ્યું કે, 'આ રજિસ્ટ્રેશન જોતા દેખાય છે કે ફ્લેટ મેળવવા માટે ફરિયાદીએ હજુ ૬ વર્ષ રાહ જોવી પડશે. જેથી કહી શકાય કે આટલો લાંબો સમયગાળો અયોગ્ય છે. ઉપરથી આ બુકિંગ ૨૦૧૪માં કરવામાં આવયું હતું. તો આ અર્થમાં ફ્લેટનું પઝેશન મેળવવા માટે ગ્રાહકે ૧૨ વર્ષ જેટલો સમય રાહ જોવી પડે તે ખોટું છે.' ફરિયાદીએ રુ. ૩૮ લાખનો ફ્લેટ ૨૦૧૪માં બુક કરતા સમયે રુ. ૭ લાખ ચેકથી અને રુ. ૫ લાખ રોકડથી ચૂકવ્યા હતા. ફરિયાદીની વકીલ મોહિત ભારદ્વાજે કહ્યું કે બિલ્ડરે ફ્લેટ બુકિંગ લેતી વખતે વાયદો કર્યો હતો કે ડિસેમ્બર ૨૦૧૭માં તેઓ ફ્લેટનું પઝેશન આપી દેશે. પરંતુ ઓક્ટોબર ૨૦૧૭માં તો હજુ તેમને કોમેસમેન્ટ સર્ટિફિકેટ મળ્યું છે. સામેની તરફ મે/સ અરિહંતના વકીલ કહ્યું કે પ્રિતી સિંહે ફક્ત રુ. ૭ લાખ જ ચૂકવ્યા છે અને બાકીના બેલેન્સના રુપિયા ચૂકવવા માટે અનેકવાર રિમાઇન્ડર આપ્યા છતા તેમણે આ રુપિયા ચૂકવ્યા નહોતા અને ઓક્ટોબર ૨૦૨૦માં તેમણે પોતાનું બુકિંગ કેન્સલ કરી નાખ્યું હતું તેમજ તેમણે રિફંડ પણ કલેક્ટ કર્યું નહોતું.

            તેમજ ડેવલોપરે રુ. ૫ લાખ કેસમાં મળ્યા હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે મહારેરાએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે બુકિંગ ભલે કેન્સલ કરવામાં આવ્યું પરંતુ બુકિંગ એમાઉન્ટ પરત કરી નહોતી. જે દર્શાવે છે કે કેન્સલેશન યોગ્ય રીતે નહોતું થયું. જે કાયદાકીય રીતે ગેરકાયદેસર છે. જેનાથી ફરિયાદી જ કાયદાકીય રીતે અત્યાર સુધી આ ફ્લેટના એલોટી છે. મહારેરાએ કહ્યું કે જ્યારે ડેવલોપર એમ કહે છે કે તેમને ગ્રાહક પ્રીતિ સિંહ તરફથી ફક્ત રુ. ૭ લાખ જ મળ્યા છે. જ્યારે બિલ્ડર તરફથી આપવામાં આવેલા ૬ ઓગસ્ટ ૨૦૧૪ના રિઝર્વેશન અલોટમેન્ટ લેટરમાં નોંધવામાં આવ્યું છે કે ફ્લેટની કૂલ કિંમત રુ. ૩૮ લાખ છે ઉપરાંત રુ. ૫ લાખ અન્ય ચાર્જિસના છે. સિંહનું બેંક સ્ટેટમેન્ટ કહે છે કે તેણે ૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ રુ. ૫ લાખ વિથડ્રો કર્યા હતા. આ જ દિવસે ડેવલોપરે તેમને કાર પાર્કિંગ સ્પેસ માટે અલગથી સ્પેસ અલોટ કરવા માટે સેપરેટ લેટર આપ્યો હતો. તથી એવું કહી શકાય કે તેમણે એલોટમેન્ટ લેટરમાં અધર ચાર્જિસ તરીકે ઉલ્લેખવામાં આવેલા રુ. ૫ લાખ પાર્કિંગ સ્પેસ માટે ચૂકવ્યા છે. જેના આધારે ડેવલોપરને રુ. ૧૨ લાખ સિંહને પરત કરવા તેમજ તેના ૧૦ ટકા એડમિનિસ્ટેટિવ ખર્ચ પેટે આગામી એક મહિનામાં ચૂકવવા માટે આદેશ કર્યો હતો.

(12:00 am IST)