Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

આઈપીએલમાં પણ કોરોનાએ દેખા દેતાં સ્પર્ધા પર શંકાના વાદળ

કોરોનાનો દેશભરમાં વધતો કહેર ચિંતાજનક : ખેલાડીઓની સાથે ગ્રાઉન્ડ સ્ટાફ પોઝિટિવ આવતા આગામી સમયમાં મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે

મુંબઈ, તા.૪ : આગામી અઠવાડિયાથી શરુ થઈ રહેલી આઈપીએલને કોરોના વાયરસ ભરખી જશે તેવી શંકાઓ વ્યક્ત થવાનું શરુ થઈ ગયું છે. ખેલાડીઓની સાથે ગ્રાઉન્ડ સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા આગામી સમયમાં આઈપીએલની ૧૪મી સીઝનને લઈને કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. ભારતમાં શનિવારે કોરોનાના ૯૩,૦૦૦થી વધુ અને મુંબઈમાં રેકોર્ડ બ્રેકિંગ ૯,૧૦૮ નવા કેસ નોંધાયા છે. જેના કારણે આઈપીએલના આયોજન પર વાદળો ઘેરાઈ રહ્યા છે. શનિવારે દિલ્હી કેપિટલ્સનો લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલ, રોયલ ચેલેન્જર બેંગ્લોરનો ઓપનર દેવદત્ત પડીક્કલ, વાનખેડે સ્ટેડિયમનો ગ્રાઉન્ડ સ્ટાફ, ફ્રેન્ચાઈઝી એક્ઝિક્યુટીવ, બીસીસીઆઈ સાથે સંકળાયેલા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સભ્ય અને અન્ય કોરોના પોઝિટિવ આવ્યા છે. પડીક્કલને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ક્વોરન્ટીન કરાયો છે. આરસીબી ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે ૯ એપ્રિલે આ સીઝનની પહેલી મેચ રમવા માટે ઉતવાની છે.

           કોરોનાના વધતા કેસને જોતા ક્રિકેટ બોર્ડે જણાવ્યું છે કે, સુરક્ષિત ઈકોસિસ્ટમ જળવાઈ રહે તે માટે આગામી બે મહિના માટે *કડક અને જરુરી પગલા* લેવા જરુરી છે. સૂત્રો જણાવે છે કે, કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને કોઈ મોટી તકલીફ ઉભી ના થા તે માટેની તૈયારી કરી લેવાઈ છે, જણાવાયું છે કે, *જો મેચોને પાછળ ખસેડવી પડી તો તેના માટેની સુરક્ષિત તૈયારીઓ કરી રાખવામાં આવી છે.* જે પ્રમાણે શિડ્યુલ ગોઠવવામાં આવ્યું છે તે હજુ બદલવામાં નથી આવ્યું. આઈપીએલની ૮માંથી ૫ ફ્રેન્ચાઈઝી- ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્ય અને કોલકાતા નાઈટ રાઈડર્સ હાલ મુંબઈમાં છે. નાઈટ રાઈડર્સ જલદી ચેન્નાઈ જવા માટે રવાના થશે, જ્યાં તેમની ત્યાં ૨૦ એપ્રિલે મુંબઈ આવતા પહેલા લીગ મેચ રમાશે. આ સિવાયની ૪ ટીમ મુંબઈમાં રહેશે તેમની અહીં ત્રણ અઠવાડિયા માટે પ્લે ઓફ મેચ રમાવાની છે. કોરોનાની બીજી લહેર આવતા સ્થિતિ કપરી બની ગઈ છે, મુંબઈમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતા હવે બધાનું ધ્યાન ત્યાં કેન્દ્રીત થયું છે. ક્રિકેટર્સ, ફ્રેન્ચાઈઝીનો સ્ટાફ અને ગ્રાઉન્ડ સ્ટાફ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, જેના કારણે 'પ્લાન બી' અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે, *આગામી ૪૮ કલાકમાં શું થાય છે તેના પર નજર રહેશે.

(12:00 am IST)