Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

૬થી ૧૪ એપ્રિલ સુધી વિશેષ અભિયાન ચલાવાશે

કોરોના પર કાબુ મેળવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મિટિંગ : બેઠકમાં કોરોનાના વધી રહેલા પ્રકોપ સંબંધિત તેમજ કોરોના વેક્સીનેશન અભિયાનની સમીક્ષા કરવામાં આવી

નવી દિલ્હી,તા.૩ : દેશમાં કોરોનાના વધી રહેલા કેસના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વરિષ્ઠ અધિકારીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક સમાપ્ત થઇ ગઈ છે. આ બેઠકમાં કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ સંબંધિત અને કોરોના વેક્સીનેશન અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી. સ્થિતિ પર ચર્ચા કરતા પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે કોરોના પર કાબુ મેળવવા માટે સમુદાયની જાગરુકતા અને તેમની ભાગીદારી સર્વોપરી છે. કોવિડ-૧૯ પ્રબંધન માટે ભાગીદારી અને જન આંદોલન જારી રાખવાની જરૂરિયાત છે.

       કોરોનાના વધી રહેલા કેસને રોકવા માટે પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને ૫ સૂત્રીય પ્લાન જણાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રિટમેન્ટ, કોવિડના નિયમોનું પાલન અને વેક્સીનેશન પૂરી ગંભીરતાથી અને પ્રતિબદ્ધતા સાથે લાગુ કરવામાં આવે તો મહામારીના પ્રસારને રોકવામાં પ્રભાવી રહેશે. કોરોનાથી બચાવ માટે ૬થી ૧૪ એપ્રિલ સુધી દેશભરમાં એક વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. જેમાં ૧૦૦ ટકા માસ્કનો ઉપયોગ, વ્યક્તિગત સ્વચ્છતા અને સાર્વજનિક સ્થાન/કાર્યસ્થળો પર સ્વચ્છતા કેટલી આવશ્યક છે તેના વિશે લોકોને જાણકારી આપવામાં આવશે. ભારતમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણના ૯૩,૨૪૯ નવા કેસ સામે આવ્યા છે. જે આ વર્ષે એક દિવસમાં સૌથી વધારે કેસ છે. ૨૪ કલાકમાં દેશમાં ૫૧૩ લોકોનો મોત થયા છે.

(12:00 am IST)