Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ગિફટ વાઉચરથી માલની ખરીદી પર જીએસટી લાગે

વાઉચર ન તો માલસામાન છે કે ન તો સેવા છે અને જીએસટી કાયદો તેને માત્ર ભવિષ્યમાં વસ્તુ ખરીદવા માટેનું સાધન જ ગણે છેૅ

નવી દિલ્હી,તા. ૫: ગિફ્ટ કાર્ડ કે ગિફ્ટ વાઉચરની ખરીદી પર જીએસટી લાગવાને મામલે સ્પષ્ટતા કરતા તમિળનાડુસ્થિત એએએઆરની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે ગિફ્ટ વાઉચરથી માલની ખરીદી પર જીએસટી લાગે.

ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે ગિફ્ટ વાઉચર પર જીએસટી લાગુ નહીં પડે, પરંતુ ગિફ્ટ કાર્ડ કે ગિફ્ટ વાઉચરથી કરવામાં આવતી માલની ખરીદી પર જીએસટી લાગશે.

ગિફ્ટ વાઉચર કે અન્ય કયા માધ્યમથી વસ્તુની ખરીદી કરવામાં આવી છે તેને આધારે અનુક્રમે ૧૨ ટકા કે ૧૮ ટકા જીએસટી લાગુ કરવાના તમિળનાડુ સ્ટેટ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (એએઆર)એ આપેલા ચુકાદાને પડકારવા કલ્યાણ જવેલર્સ ઈન્ડિયા લિ.એ એપેલેટ ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (એએએઆર)ના દ્વાર ખટખટાવ્યા હતા. એએઆરના ચુકાદામાં સુધારો કરતા એએએઆરએ સ્પષ્ટતા કરી હતી કે ગિફ્ટ વાઉચર કે ગિફ્ટ કાર્ડની ખરીદી પર જીએસટી લાગુ નહીં પડે, પરંતુ ગિફ્ટ કાર્ડ કે ગિફ્ટ વાઉચરથી કરવામાં આવતી માલની ખરીદી પર જીએસટી લાગુ પડશે.

ચુકાદામાં એએએઆરએ કહ્યું હતું કે વાઉચર ન તો માલસામાન છે કે ન તો સેવા છે અને જીએસટી કાયદો તેને માત્ર ભવિષ્યમાં વસ્તુ ખરીદવા માટેનું સાધન જ ગણે છે.

વાઉચર માત્ર સાધન જ છે અને વસ્તુ કે સેવા નથી તેથી તેનું અલગથી વર્ગીકરણ કરવામાં નથી આવ્યું, પરંતુ વાઉચર મારફતે ખરીદવામાં આવેલી વસ્તુ કે સેવાનું વર્ગીકરણ કરી શકાય છે, એમ તેમણે કહ્યું હતું.

ઈવાય ટેકસ પાર્ટનર અભિષેક જૈને એએએઆરના આ ચુકાદાને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આ ચુકાદાએ વાઉચર પરના કરવેરા અંગે સ્પષ્ટતા કરી છે.

(10:10 am IST)