Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

મુંબઇમાં એક બંગલો ૧૦૦૧ કરોડની અધધ કિંમતે વેંચાયો : ૩૦ કરોડની સ્ટે. ડ્યુટી

ડી માર્ટના સ્થાપકે મલબાર હિલમાં લીધી પ્રોપર્ટી

મુંબઇ,તા.૫: કોરોનાના પહેલા લોકડાઉન વખતે મુંબઈમાં પહેલેથી જ મંદીમાં સપડાયેલી રિયલ એસ્ટેટના બિઝનેસમાં લોકડાઉન ખૂલ્યા બાદ જોરદાર તેજી છે. મુંબઈના શ્રીમંતોના પોશ વિસ્તાર ગણાતા મલબાર હિલનો એક બંગલો અધધધ ૧૦૦૧ કરોડ રૂપિયામાં વેચાયો છે. એ લેનાર બીજું કોઈ નહીં પણ ડીમાર્ટના સંસ્થાપક રાધાકિશન દામાણી છે. અત્યાર સુધીનો રિયલ એસ્ટેટનો ઘર માટેનો આ દેશનો સૌથી મોંઘો રેકોર્ડબ્રેક સોદો હોવાનું કહેવાઈ રહ્યું છે.

મલબાર હિલના નારાયણ દાભોળકર માર્ગ પર આવેલો ગ્રાઉન્ડ પ્લસ બે માળનો ૧.૫ એકરમાં ફેલાયેલો અને ૬૦,૦૦૦ સ્કવેર ફુટનું બાંધકામ ધરાવતો મધુકુંજ બંગલો રાધાકિશન દામાણીએ તેમના ભાઈ ગોપીકિશન સાથે મળી ખરીઘો છે. એ માટે તેમણે આ જ અઠવાડિયે ૩૦ કરોડ રૂપિયાની સ્ટેમ્પ-ડ્યુટી ચૂકવી છે. રેડી રેકનર મુજબ હાલ એની માર્કેટ-પ્રાઇસ ૭૨૪ કરોડ રૂપિયા થવા જાય છે. છેલ્લા બે મહિનામાં આ ત્રીજી પ્રોપર્ટી રાધાકિશન દામાણીએ લીધી છે. થાણેમાં કેડબરીની ૮ એકરની જમીન હાલમાં જ તેમણે ૨૫૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી, જયારે ૧૯ માર્ચે ડીમાર્ટ માટે ચેમ્બુરમાં વાધવા ગ્રુપના અન્ડર-કન્સ્ટ્રકશન પ્રોજેકટ એપિક સેન્ટરમાં ૧૧૩ કરોડ રૂપિયામાં બે ફ્લોર ખરીઘા હતા.

શ્રીમંતો અને માલેતુજારો માટે મલબાર હિલ વિસ્તાર હંમેશાં પ્રાઇમ લોકેશન રહ્યો છે. ઉઘોગપતિ કુમારમંગલમ  બિરલાએ ૨૦૧૫માં અહીં ૩૦,૦૦૦ સ્કવેરફુટનો બંગલો જતિયા હાઉસ ૪૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જયારે સાયરસ પુનાવાલાએ મલબાર હિલના લિંકન હાઉસ માટે ૨૦૧૪માં ૭૫૦ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ભારતના અણુ પ્રોગ્રામના પ્રણેતા હોમી ભાભાના નિવાસસ્થાન મેહરનગીર માટે ગોદરેજ પરિવારે ૩૭૨ કરોડ રૂપિયા આપ્યા હતા.

૨૫૦,૦૦,૦૦,૦૦૦ - રાધાકિશન દામાણીએ થાણેમાં કેડબરીની ૮ એકરની જમીન હાલમાં જ આટલા રૂપિયામાં ખરીદી હતી.

૧૧૩,૦૦,૦૦,૦૦૦ - રાધાકિશન દામાણીએ ૧૯ માર્ચે ડીમાર્ટ માટે ચેમ્બુરમાં વાધવા ગ્રુપના અન્ડર-કન્સ્ટ્રકશન પ્રોજેકટ એપિક સેન્ટરમાં આટલા રૂપિયામાં બે ફ્લોર ખરીદ્યા હતા.

(10:11 am IST)