Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

આગ્રાના ઉમેદવારનો અનોખો હારવાનો શોખ

યુપી પંચાયત ચૂંટણી : હારવા માટે ચૂંટણી લડે છે ૭૪ વર્ષના દાદા : ૯૨ વખત લડ્યા : ૯૩મી વાર ઝુકાવ્યું

હસનુરામ આંબેડકરીએ યુપીના ખેરાગઢમાં વોર્ડ ૨૩માંથી ઉમેદવારી નોંધાવી છે :અત્યાર સુધીમાં હસનુરામ કાઉન્સિલર, પ્રધાન અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ ઉમેદવારી નોંધાવી ચૂકયા છે :રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનું ફોર્મ રદ થઈ ગયું હતું, પણ ભવિષ્યમાં તેઓ ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગે છે

આગ્રા,તા.૫:  દેશમાં જેટલી પણ ચૂંટણીઓ યોજાય છે, તેમાં કોઈને કોઈને વિચિત્ર વાત સામે આવતી રહે છે. કયારેક કોઈ ઉમેદવાર વિશે કોઈ ચોંકાવનારી વાત હોય છે તો કયારેક તેમના ચૂંટણી ચિહ્રનો ચર્ચામાં રહેતા હોય છે. પણ, કોઈ વ્યકિત માત્ર હારવા માટે ચૂંટણી લડતો હોય તેવું તમે સાંભળ્યું છે ખરું? જોકે, ઉત્ત્।ર પ્રદેશમાં એક ઉમેદવાર એવા જ છે જે હારવા માટે ચૂંટણી લડે છે. ઉત્ત્।ર પ્રદેશમાં ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીને લઈને ઉમેદાવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એવામાં આગ્રા પંચાયતની ચૂંટણીમાં એક અનોખા ઉમેદવારે પોતાનું ફોર્મ ભર્યું હતું .આ ઉમેદવારની ખાસિયત છે કે, તેમણે છેલ્લા ૩૫ વર્ષમાં લગભગ બધી ચૂંટણી લડી છે. જોકે, હજુ સુધી એકપણ ચૂંટણીમાં જીત મળી નથી. તેમ છતાં તેમણે ૯૩મી વખત ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.

મૂળ રીતે ખેરાગઢના રહેવાસી હસનુરામ આંબેડકરી મજૂરી કામ કરે છે. તેમના કહેવા મુજબ, તેઓ પહેલા બીએસપીના કાર્યકર્તા હતા અને એક મીટિંગમાં તેમણે બીએસપી પદાધિકારી પાસે ટિકિટ માંગી હતી. ત્યારે પદાધિકારીએ કહ્યું હતું કે, 'તમને તમારા ઘરવાળા જ ઓળખતા નથી તો ચૂંટણી કઈ રીતે લડશો?' તેમણે કહ્યું કે, એ વાતનું એટલું લાગી આવ્યું કે તેમણે ચૂંટણી લડવાનું શરૂ કરી દીધું.

હસનુરામ અત્યાર સુધીમાં કાઉન્સિલર, પ્રધાનની ચૂંટણી લડવાની સાથે-સાથે જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ફોર્મ ભર્યું હતું. જોકે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનું ફોર્મ રદ થઈ ગયું હતું અને હવે તો ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માગે છે.

હસનુરામના જણાવ્યા મુજબ, સફળતા માટે ઘણું બધું કરવું પડે છે. તેના માટે તેઓ સક્ષમ નથી, એટલે તે દર વખતે હારવા માટે જ ચૂંટણી લડે છે આ વખતે તેમણે ખેરાગઢના વોર્ડ ૨૩માંથી ઉમેદવારી નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના વિજય પ્રકાશ કોંડેકર પણ આવી જ એક વ્યકિત છે. જેઓ ૭૫ વર્ષના છે અને અત્યાર સુધીમાં ૨૪ વખત ચૂંટણી લડી ચૂકયા છે. જોકે, તેઓ એકપણ ચૂંટણીમાં જીત્યા નથી. પુનાના શિવાજીનગરમાં હાલ ઘેર-ઘેર જાણીતા થઈ ગયેલા કોંડેકરે ૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં પણ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું.

(10:12 am IST)