Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કેજરીવાલને મળ્યા અહેમદ પટેલના દીકરા ફૈસલ : અટકળોની આંધી

ફૈસલ પટેલે અરવિંદ કેજરીવાલના કર્યા વખાણ : કોંગ્રેસ માટે ચિંતાનું કારણ બની શકે છે આ મુલાકાત !

નવી દિલ્હી તા. ૫ : કોંગ્રેસના વરિષ્ઠ સ્વ. નેતા અહેમદ પટેલના દીકરા ફૈસલ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથેની પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને લખ્યું છે કે, આખરે દિલ્હીના મુખ્યમંત્રીને મળીને ગર્વનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હીના એક નાગરિક તરીકે હું તેમના વર્ક એથિકસ અને નેતૃત્વની કુશળતાનો પ્રશંસક છુ. માનવતા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પ્રભાવ તેમજ દેશની વર્તમાન રાજનીતિ પર તેમની સાથે ચર્ચા કરી.

આ મુલાકાત કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણકે અહેમદ પટેલ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના વફાદાર સલાહકાર હતા તેમજ ગાંધી પરિવાર પછી પાર્ટીના સૌથી શકિતશાળી વ્યકિત તરીકે ઓળખાતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલની નજર ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પર છે અને તેઓ ગુજરાતમાં એક વિશ્વસનીય ચહેરાની શોધમાં છે. આ પરિસ્થિતિમાં ફૈસલ પટેલની તેમની સાથેની મુલાકાત મહત્વની માનવામાં આવે છે.

તાજેતરમાં જ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અહેમદ પટેલની લોકપ્રિયતા ઘણી વધારે હતી. અહેમદ પટેલ રાજનીતિમાં સક્રિય હતા ત્યાં સુધી ફૈસલ પટેલ રાજનીતિમાં વધારે સક્રિય નહોતા. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, શકય છે કે પટેલ પરિવાર રાજનીતિમાં ફરીથી પ્રવેશ કરે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ગુજરાતની નગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૨૭ સીટો મેળવી હતી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આપને યુવા અને વિશ્વસનીય ઉમેદવારોની જરૂર છે જે રાજયમાં પાર્ટીનું નેતૃત્વ કરી શકે. રાજકારણની આ હિલચાલ દરમિયાન ફૈસલ પટેલ અને અરવિંદ કેજરીવાલની મુલાકાતે અટકળો તેજ કરી દીધી છે.

(10:15 am IST)