Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ગૃહખાતાએ ઘડી રણનીતિ

રાક્ષસ જેવા નકસલીઓને ઘરમાં ઘુસી ઠાર મરાશે

નવી દિલ્હી તા. ૫ : છત્તીસગઢમાં નકસલવાદી હુમલામાં લગભગ ૨ ડઝન જવાનો શહીદ થયા પછી ગૃહ મંત્રાલય કડક કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. માનવામાં આવે છે કે હવે નકસલવાદીઓ સામે નિર્ણાયક લડાઇ શરૂ કરવાની રણનીતિ પર કામ થઇ રહ્યું છે. આ નવા ઓપરેશનનો ઉદ્દેશ ગાઢ જંગલો વચ્ચેના નકસલવાદીઓના આશરાઓ નેસ્તનાબૂદ કરીને તેમના સંગઠનને સંપૂર્ણપણે છીન્ન-ભીન્ન કરવાનો રહેશે. ગૃહ પ્રધાન અમિત શાહે સીનીયર અધિકારીઓ સાથે મીટીંગ કરીને પરિસ્થિતિની ચર્ચા કરી હતી.

આસામમાં અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર વચ્ચેથી છોડીને પાછા ફરેલ શાહે સ્પષ્ટ કરી દીધું છે કે નકસલવાદીઓ સામેની લડાઇ વધારે મજબૂતીથી લડવામાં આવશે. એવું માનવામાં આવે છે કે છ એપ્રિલે આસામ, તામિલનાડુ અને કેરળ વિધાનસભા ચૂંટણીનું મતદાન પુરૃં થયા પછી વધારાના કેન્દ્રીય દળોને છત્તીસગઢ મોકલવામાં આવશે. ગૃહ મંત્રાલયના સીનીયર અધિકારીઓએ નકસલવાદીઓ સામે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન શરૂ થવાના પણ સંકેતો આપ્યા હતા.

નકસલવાદી હુમલામાં જવાનોની શહીદીની જાણ થતાં જ અમિત શાહે તાત્કાલિક છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બધૈલ સાથે વાત કરી અને નકસલવાદી સામેના ઓપરેશનમાં કેન્દ્ર સરકાર તરફથી શકય એટલી સહાયનું આશ્વાસન આપ્યું હતું. એ સાથે જ તેમણે સીઆરપીએફના મહાનિર્દેશક કુલદીપસિંહને તાત્કાલિક છત્તીસગઢ જઇને પરિસ્થિતિનું અવલોકન કરવા કહ્યું હતું.

રવિવારે આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચારનો અંતિમ દિવસ હોવાના કારણે શાહે ત્રણ સભાઓને સંબોધિત કરવાની હતી. જેમાં આસામના નાણાપ્રધાન હિમંત બિસ્વ સરમાના મત વિસ્તારની સભા પણ સામેલ હતી. સરમા સાથે જાલગુડી વિધાનસભા મત વિસ્તારના સૌલકૂંચીમાં પહોંચ્યા પછી તરત જ શાહને નકસલવાદી હુમલાના સમાચાર મળ્યા

(11:09 am IST)