Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કોરોના થયેલ લોકોને રસીનો એક જ ડોઝ કાફી

ભારતીય વૈજ્ઞાનિકોનો દાવોઃ એક જ ડોઝ એન્ટીબોડીના સ્તરને ઉંચુ લાવી દયે છેઃ સાજા થનારા લોકોમાં વેકસીનના પહેલા ડોઝથી ૫૦૦ ગણી એન્ટીબોડી વધી જાય છે : ૧૧ હોસ્પિટલના ૧૩૫ સ્વાસ્થ્ય કર્મચારીઓ પર અભ્યાસ થયોઃ વેકસીન દીધા પહેલાની એન્ટીબોડીની તપાસ થાય તો રસીના બે ડોઝ લેવાથી બચી શકાય

નવી દિલ્હી, તા.૫: કોરોના સામે રક્ષણ માટે રસીના બે ડોઝ લેવા સૌથી જરૃરી છે પણ જે લોકોને પહેલા સંક્રમણ થઇ ચૂકયું છે તેમનામાં એક ડોઝ જ એન્ટીબોડીનું સ્તર વધારી દે છે. આ ખુલાસો ભારતીય વૈજ્ઞાનિકોએ રસી લેનારાઓ પર કરેલા અભ્યાસમાં કર્યો છે. તેના અનુસાર કોરોનામાંથી સાજા થનારાઓમાં રસીનો પહેલો ડોઝ એન્ટીબોડી ૫૦૦ ગણી વધારી રહી છે. આ લોકોમાં બીજા ડોઝની અસર એટલી નથી જોવા મળતી.

 

નવી દિલ્હી ખાતેની ઇન્સ્ટીટયુટ ઓફ જીનોમિકસ એન્ડ ઇન્ટીગ્રેટીવ બાયોલોજી (આઇજી આઇ બી) ના વૈજ્ઞાનિકોએ આરોગ્યકર્મીઓ પર અભ્યાસ પછી આ દાવો કર્યો છે. રિસર્ચમાં બે અલગ - અલગ અલગ ગ્રૃપોને રસી આપ્યા પછી તેમના એન્ટીબોડી લેવલને તપાસવમાં આવ્યા હતા. તેમાંથી એક ગ્રુપ એવા આરોગ્ય કર્મીઓનું હતું જેઓ પહેલા કોરોના સંક્રમિત થયા હતા અને પછીથી તેમને રસી અપાઇ હતી. બંને ગ્રૃપના લોકોને રસીના બંને ડોઝ અપાયા હતા. સાત, ચૌદ અને અઠ્ઠાવીસ દિવસના અંતરાલે એન્ટીબોડીની તપાસ કર્યા પછી આ માહિતી મળી છે.

બરાબર આ પ્રકારનું જ અમેરિકન વૈજ્ઞાનિકોનું રિસર્ચ હાલમાં નેચર મેડીકલ જર્નલમાં પ્રકાશીત થયું છે. તેના અનુસાર, જે લોકોને પહેલા કોરોના થઇ ચૂકયો હતો તેમને રસીનો એક ડોઝ આપ્યા પછી જ એન્ટીબોડીનું લેવલ અનેકગણું વધી ગયુ હતું. આ લોકોમાં બીજા ડોઝની અસર જોવા ન મળી.

ડોકટર અગ્રવાલ અનુસાર રસી આપ્યા પહેલા આ બધા લોકોમાં એન્ટીબોડી લેવલની તપાસ કરી તો ૪૨ ટકા લોકોમાં ૩૨.૫ ટકા જોવા મળ્યું. આ લોકોને જયારે કોવીશીલ્ડ રસીનો પહેલો ડોઝ અપાયો તો ૫૦૦ ટકા સુધી એન્ટીબોડી બૂસ્ટ થઇ પણ જયારે બીજો ડોઝ આપ્યો તો કોઇ અસર ન જોવા મળી. અભ્યાસનાં તારણોના આધારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે રસી આપતા પહેલા જો એન્ટીબોડીની તપાસ કરાય તો પહેલા સંક્રમિત થયેલ લોકોને બે ડોઝ આપવાથી બચી શકાય છે. દેશમાં ૭.૫૯ કરોડથી વધારે લોકોને રસી અપાઇ ચૂકી છે. એક કરોડ લોકોએ બે ડોઝ લઇ લીધા છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો ૭.૫૯ કરોડમાંથી ઓછામાં ઓછા એક કરોડ લોકોને બીજો ડોઝ આપવાથી બચી શકાય કેમ કે તેમનામાં પહેલાથી જ એન્ટીબોડી વિકસીત છે.

(11:37 am IST)