Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કોરોના પોઝિટિવ હોવા છતાં ટ્રેનમાં વડોદરાથી મુંબઈ જનારી મહિલા સામે કેસ

ફેમિલી ફંકશનમાં ગયેલા મહિલાને કોરોના થયોઃ કવોરન્ટાઈન થવાનું આવતા સંબંધીઓએ હાથ અદ્ઘર કરી દેતાં મહિલાને નાછૂટકે ટ્રેનમાં પ્રવાસ કરવો પડયો

મુંબઈ, તા.૫: કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવા છતાંય વડોદરાથી ટ્રેનમાં બેસીને મુંબઈ પહોંચી ગયેલી એક મહિલાસામે કેસ કરવામાં આવ્યો છે. આ મહિલા ૨૪ માર્ચના રોજ વડોદરાથી મુંબઈ આવ્યા હતા. તેમને કોરોના થયા બાદ SSG હોસ્પટિલમાં એડમિટ કરાયાં હતાં. જયાંથી રજા અપાયા બાદ તેમને ૧૪ દિવસ કવોરન્ટાઈનમાં રહેવાનું જણાવાયું હતું.

તરુણા નાયક નામના આ મહિલા વડોદરામાં એક ફેમિલી ફંકશનમાં ગયાં હતાં, અને ત્યાં જ તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેમને SSG હોસ્પિટલમાં એડમિટ કરાયાં હતાં. જોકે, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી તેમને ૧૪ દિવસ કવોરન્ટાઈનમાં રહેવા કહેવાયું હતું. વડોદરામાં તેમણે પોતાના સંબંધીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈના ઘરમાં જગ્યા ના હોવાથી સંબંધીઓએ તેમને મુંબઈ જવા ટ્રેનની ટિકિટ કરાવી આપી હતી.

બીજો કોઈ વિકલ્પ ના હોવાથી તેઓ ૨૩ માર્ચે ટ્રેનમાં બેઠાં હતાં, અને બીજા દિવસે મુંબઈ પહોંચ્યો હતા. જોકે, તેમની નજીકમાં જ રહેતા એક કોર્પોરેટરને તેઓ કોરોના પોઝિટિવ હોવા છતાં વડોદરાથી મુંબઈ આવ્યા હોવાની ખબર પડી ગઈ હતી. કોર્પોરેટરે આ અંગે કોર્પોરેશનને જાણ કરતાં ટીમ તેમના દ્યરે પહોંચી હતી, અને ત્યાં તપાસ કરતાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું.

હાલ તેમને દહીસરના ચેકનાકા કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યાં છે. જયાંથી તેમને એકાદ-બે દિવસમાં ડિસ્ચાર્જ આપવામાં આવશે. સત્તાધીશો તરફથી આ મહિલા સાથે ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોને પણ શોધવાની કામગીરી શરુ કરાઈ છે. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોના પોઝિટિવ હોવા છતાંય પ્રવાસ કરનારા મહિલા સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવશે, અને તેમની સામે આગળ શું પગલાં લેવા તે કોર્ટ નક્કી કરશે.

(1:08 pm IST)