Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કેડિલાની કમાલ : શોધી કોરોનાની દવા : ઉપયોગની મંજુરી માંગી

કોરોના કહેર વચ્‍ચે મળ્‍યા સારા સમાચાર : હિપેટાઇટિસની દવાથી કોરોના વાયરસનો ઇલાજ : માત્ર એક જ ડોઝ લેવાનો : ૯૧ ટકા દર્દીઓનો ૭ દિ'માં રિપોર્ટ નેગેટીવ આવ્‍યો

નવી દિલ્‍હી તા. ૫ : દવાની કંપની ઝાયડસ કેડિલાએ ડીસીજીઆઇ પાસે હેપેટાઇટિસની દવા પેગીલેટેડ ઇન્‍ટરફેરોન અલ્‍ફા-૨બીનો ઉપયોગ કોરોનાની સારવાર માટે મંજુરી માંગી છે. ઝાયડસ કેડિલાએ જણાવ્‍યું કે, પેગીલેટેડ ઇન્‍ટરફેરોન અલ્‍ફા-૨બીના ત્રીજા ચરણના નૈદાનિક પરીક્ષણમાં આ દવાથી કોરોનાની સારવાર માટે આશાજનક પરીણામો મળ્‍યા છે.

ભારતમાં કોરોના વેક્‍સીનેશનનું કામ ઝડપથી થઈ રહ્યું છે. આ વચ્‍ચે વધુ એક રાહતના સમાચાર સામે આવ્‍યા છે. જાણીતી દવા કંપની ઝાયડસ કેડિલાએ કોરોનાની સારવાર માટેની દવા PegIFN માટે મંજુરી માગી છે. ફેઝ-૩ના ઇન્‍ટરીમ રિઝલ્‍ટમા સારા પરિણામ ઝાયડસ કેડિલા કંપનીએ DCGI પાસેથી મંજૂરી માંગી છે. કંપનીના રિસર્ચમાં ૯૧ ટકા જેટલા દર્દીઓને ૭ દિવસમાં દવા લીધા બાદ કોરોના નેગેટિવ આવ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઝાયડસ કેડિકલા કંપનીએ રેમડિસિવીર દવાના પોતાના જેનરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કંપની રેમડેસિવિરના જેનરિક વર્ઝનને રેમડેક બ્રાન્‍ડથી વેચે છે. હવે તેની નવી કિંમત ૨૮૦૦ રૂપિયાથી ઘટીને ૮૯૯ રૂપિયા પ્રતિ બોટલ (૧૦૦ એમજી) છે. કંપનીએ ઓગસ્‍ટ ૨૦૧૯ માં રેમડેકને દેશમાં લોન્‍ચ કરી હતી. તે સમયે ઈન્‍જેક્‍શનના રૂપમાં આપવામાં આવતી આ દવાની ૧૦૦ એમજીના બોટલની કિંમત ૨૮૦૦ રૂપિયા હતી. ઝાયડસ કેડિલાએ ગત શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, રેમડેસિવીર કોવિડ ૧૯ ની સારવારમાં એક મહત્‍વની દવા છે. કંપનીના આ નિર્ણયથી અસંખ્‍ય દર્દીઓને રાહત મળશે.

(5:01 pm IST)