Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

આસામ માં એક બુથ પર ૯૦ મતદાર સામે EVM માં ૧૭૧ મત નીકળતા ચૂંટણી પંચ ચોકયું

પંચે તાકીદની અસરથી ૫ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

આસામ : આસામના દીમા હસાઓ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર ગેરરિતીની ઘટના બની છે. આ મતદાન કેન્દ્ર પર માત્ર 90 મતદાર રજીસ્ટર્ડ છે પરંતુ ત્યા કુલ 171 મત પડ્યા હતા. આ ઘટના બહાર આવતા જ ચૂંટણી પંચે 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે

અધિકારીએ જણાવ્યુ કે આ મતદાન કેન્દ્ર હાફલોંગ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. આ જગ્યા પર એક એપ્રિલે મતદાન થયુ હતું. હાફલોંગ વિધાનસભા ક્ષેત્રમાં 74 ટકા મતદાન થયુ હતું. આ ઘટના બહાર આવ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન કેન્દ્રના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી ત્યા ફરી મતદાન કરાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, આ કેન્દ્ર પર ફરી ચૂંટણી કરાવવા માટે હજુ આદેશ જાહેર કરવામાં નથી આવ્યો. આ મતદાન કેન્દ્ર ખોટલિર એલપી સ્કૂલના 107 (એ)માં હતો.

દીમા હસાઓના પોલીસ કમિશનર અને સહ જિલ્લા ચૂંટણી અધિકારીએ 2 એપ્રિલે સસ્પેન્શન ઓર્ડર જાહેર કર્યો હતો પરંતુ તેની જાણકારી સોમવારે બહાર આવી. સસ્પેન્ડ થનારા ચૂંટણી અધિકારીઓમાં એસ લ્હાંગુમ (સેક્ટર ઓફિસર), પ્રહલાદ સી રોય (પ્રિસાઈડિંગ ઓફિસર), પરમેશ્વર ચારંગસા (પ્રથમ મતદાન અધિકારી), સ્વરાજ કાંતિ દાસ (બીજા મતદાન અધિકારી) અને અલ થીક (ત્રીજા મતદાન અધિકારી) છે.

અધિકારીઓએ જણાવ્યુ કે મતદાન કેન્દ્રની યાદીમાં માત્ર 90 નામ દર્જ હતા પરંતુ ઇવીએમમાં 171 મત પડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યુ કે ગામના પ્રધાને સરકારી મતદાન યાદીને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને તે પોતાની યાદી લઇને ત્યા આવી ગયા હતા. તે બાદ ગામના લોકોએ આ યાદીના હિસાબથી મતદાન કર્યુ હતું. જોકે, આ સ્પષ્ટ નથી થઇ શક્યુ કે ચૂંટણી અધિકારીઓએ ગામના પ્રધાનની માંગ કેમ સ્વીકારી લીધી. ત્યા સુરક્ષાકર્મી તૈનાત હતા કે નહતા અને તેમની શું ભૂમિકા હતી. આ પણ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી.

(8:39 pm IST)