Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

એક જવાન કબજામાં હોવાનો નક્સલવાદીઓનો દાવો

નક્સલીઓએ પત્રકારોને ફોન કરીને જાણ કરી : કેન્દ્રીય ગૃહમંત્રીની નક્સલીઓ સામે પગલાંની વાત બાદ ગુમ જવાન નક્સલીઓના કબજામાં હોવાનો દાવો કરાયો

નવી દિલ્હી, તા. : સુકમામાં જવાનો પર થયેલા હુમલાની ઘટનામાં એક જવાન નક્સલીઓના કબજામાં હોવાનો દાવો કરાયો છે. નક્સલીઓએ પત્રકારોને ફોન કરીને કહ્યું છે કે તેઓ જવાનને કોઈ નુકસાન નહીં પહોંચાડે, પરંતુ જવાનને મુક્ત કરવા માટેની શરત મુકી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલીઓ સામે પગલા ભરવાની વાત કરી છે. અથડામણ બાદ ગુમ થયેલા જવાનને નક્સલીઓએ પોતાના કબ્જામાં લઈ લીધા હોવાનું સામે આવતા એક નવો વળાંક આવ્યોછે.

જગદલપુરથી અમિત શાહે કહ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્ને દ્વારા નક્સલીઓ સામે પગલા ભરવા માટેની કામગીરી કરી રહ્યા છે. સાથે તેમણે પ્રકારની ઘટનાને જરાય સહન કરવામાં નહીં આવે તેમ જણાવ્યું છે. અમિત શાહે કહ્યું છે કે, નક્સલીઓ સાથે અથડામણ જે જવાનો શહીદ થયા છે તેમને હું ભારત સરકાર અને દેશ તરફથી અને દેશના વડાપ્રધાન તરફથી શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. તેમને બલિદાન વ્યર્થ નહીં જાય, લડાઈને નિર્ણાયક વળાંક પર પહોંચાડવા માટે તેમનું બલિદાન દેશ હંમેશા યાદ રાખશે. સાથે તેમણે ઘટના પર કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામગીરી કરી રહી હોવાનું જણાવ્યું હતું.

ગુમ થયેલા જવાનનું નામ રાકેશ્વરસિંહ મનહાસ છે. તેઓ જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે અને કોબરા બટાલિયનનો ભાગ છે. નક્સલીઓએ પત્રકારોને ફોન પર શરત મુકીને જણાવ્યું છે કે જવાનો પોલીસની નોકરી છોડીને કોઈ બીજુ કામ કરે, તો તેને મુક્ત કરીશું.

સુકમામાં નક્સલીઓએ કરેલા હુમલામાં ૨૧ જવાનો ગુમ થયા હતા. જેમાંથી ૨૦ના મૃતદેહ રવિવારે એરફોર્સની મદદથી શોધી કઢાયા છે, જ્યારે એક જવાન ગુમ હોવાનું સામે આવ્યું હતું. હવે નક્સલીઓએ જવાન પોતાના કબ્જામાં હોવાની વાત કરી છે. અથડામણ બાદ નક્સલીઓ પોતાના ઘાયલ અને મૃત સાથીઓને ટ્રેક્ટરમાં ભરીને લઈ ગયા હતા. આશંકા છે કે સાથે તેઓ ઘાયલ સૈનિકને પણ પોતાની સાથે લઈ ગયા હોઈ શકે છે.

શનિવારે બીજાપુરના તર્રેમ વિસ્તારમાં અથડામણ થઈ હતી જ્યારે નક્સલીઓએ સર્ચિંગ માટે નીકળેલા જવાનોને ઘેરીને તેમના પર હુમલો કરી દીધો હતો. આમાં ૨૨થી વધારે જવાનોએ જીવ ગુમાવ્યો હોવાની પુષ્ટી કરાઈ છે જ્યારે ડઝનથી વધારે જવાનો ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે રાજધાની રાયપુરમાં દાખલ કરવામાં આવ્યા છે.

(9:00 pm IST)