Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

દિલીપ કુમાર અને રાજ કપૂરનાં પૈતૃક ઘરોને ખરીદવાની પાકિસ્તાનની મંજૂરી : હવે બંને ઘર મ્યુઝિયમમાં ફેરવાશે

પેશાવર જિલ્લા કમિશનરએ વર્તમાન માલિકોનાં વાધાઓને ફગાવી દઈને બંને ઘરોને પુરાતત્વ વિભાગને સોંપી દેવાનો હુકમ કર્યો

પેશાવર :પાકિસ્તાનમાં ખૈબર પુખ્તુન્ખ્વા પ્રાતની સરકારે  બોલિવુડનાં વિખ્યાત અભિનેતા દિલીપ કુમાર અને રાજ કપૂરનાં પેશાવર સ્થિત પૈતૃક મકાનોને ખરીદવાની મંજુરી આપી દીધી છે, હવે આ બંને ઘરને મ્યુઝિયમમાં પરિવર્તિત કરી દેવામાં આવશે.

પેશાવર જિલ્લા કમિશનર વડા કેપ્ટન ખાલિદ મહેમુદએ અભિનેતાઓનાં ઘરોનાં વર્તમાન માલિકોનાં વાધાઓને ફગાવી દીધા અને બંને ઘરોને પુરાતત્વ વિભાગને સોંપી દેવાનો હુકમ કર્યો છે.

જિલ્લા કમિશનરનાં કાર્યલય દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ ''જમીન (દિલીપ કુમાર અને રાજ કપૂરનાં ઘર) અધિગ્રહણ કરનારા વિભાગનાં નામ રહેશે એટલે કે પુરાતત્વ અને સંગ્રહાલય.''

રાજ્ય સરકારે રાજ કપૂરનાં મકાનની કિંમત દોઢ કરોડ રૂપિયા જ્યારે દિલીપ કુમારનાં ઘરની કિંમત 80 લાખ નક્કી કરી છે.

જો કે રાજ કપૂરની પૈતૃક હવેલીનાં માલિક અલી કાદિરે 20 કરોડ રૂપિયા જ્યારે દિલીપ કુમારનાં પૈતૃક ઘરનાં માલિક ગુલ રહેમાનને પ્રોપર્ટી માટે સાડા ત્રણ કરોડ રૂપિયાની માગ કરી હતી.

(12:44 am IST)