Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

વિપક્ષના વિરોધથી પંજાબ સરકારે વેક્સીન પોલિસી બદલી : ખાનગી હોસ્પિટલોને વેક્સીન સપ્લાયનો આદેશ પરત લીધો

ખાનગી હોસ્પિટલો બાકી બચેલી કોરોના વૅક્સિન તાત્કાલીક પરત કરવા આદેશ

ચંદીગઢ: પંજાબમાં વૅક્સિનેશન પૉલિસી બદલાઈ છે,ખાનગી હોસ્પિટલોમાં બેગણી કિંમતે કોવિડ વૅક્સિન વેચવા મામલે વિપક્ષના આક્રમક વિરોધનો સામનો કરી રહેલી પંજાબની કોંગ્રેસ સરકાર શુક્રવારે બેકફૂટ પર આવી ગઈ છે. કોવિડ વૅક્સિનના રાજ્ય પ્રભારી IAS વિકાસ ગર્ગ તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે, ખાનગી હોસ્પિટલો બાકી બચેલી કોરોના વૅક્સિન તાત્કાલીક પરત કરે. વૅક્સિન ફંડમાં જમા પૈસા સરકાર તરફથી હોસ્પિટલોને ટૂંક સમયમાં ફાળવવામાં આવશે.

તાજેતરમાં પંજાબ સરકાર દ્વારા કોવૅક્સિનના 1 લાખ વાયલમાંથી 20 હજાર રાજ્યની ખાનગી હોસ્પિટલોને 1,060 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતે વેચવાનો ખુલાસો થયો હતો. સરકાર દ્વારા આ કોરોના વૅક્સિનને 400 રૂપિયામાં ખરીદવામાં આવી હતી. સરકાર દ્વારા ખરીદવામાં આવેલી વૅક્સિનને રાજ્યની ખાનગી હોસ્પિટલો 1,560 રૂપિયા વસૂલીને મોટો નફો કમાઈ રહી હતી.

આ ખુલાસા બાદ વિપક્ષ પણ સરકારની ટીકા કરવા લાગ્યું હતું અને વિવાદ વકરતો જોઈએ સરકાર તરફથી પોતાનો નિર્ણય પરત લેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો.

કોવિડ વૅક્સિનેશન અભિયાનના રાજ્ય પ્રભાઈ IAS વિકાસ ગર્ગે આદેશ જાહેર કરી કહ્યું કે, ખાનગી હોસ્પિટલો તરફથી વૅક્સિનેશનને લઈને ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. જેના કારણે સરકાર ખાનગી હોસ્પિટલોને હવે વૅક્સિન નહીં વેચે. સરકાર તરફથી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, બચેલી વૅક્સિન પર પરત કરવામાં આવે. સરકાર પણ હોસ્પિટલોને જલ્દી વૅક્સિન ફંડમાં જમા પૈસા રિલીઝ કરશે.

 

ગઈકાલે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલે પંજાબ સરકાર પર ખાનગી હોસ્પિટલોને વૅક્સિન વેચવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલાને ગંભીર ગણાવતા સુખબીરે હાઈકોર્ટની દેખરેખમાં તપાસ કરાવવાની માંગ કરી હતી. આટલું જ નહીં, પંજાબના લોકોના જીવને જોખમમાં મૂકવા બદ સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિંહ સિદ્ધૂ વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી.

જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે પણ પંજાબ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, કેપ્ટન અમરિન્દર વૅક્સિનેશનને લઈને ગંભીર નથી. આજ કારણ છે કે, પંજાબમાં વૅક્સિનના કાળા બજાર થઈ રહ્યાં છે. પંજાબ સરકાર પણ કેન્દ્ર તરફથી મફત મળી રહેલી વૅક્સિનને 1060 રૂપિયામાં ખાનગી હોસ્પિટલોને વેચી રહી છે.

એક તરફ કેન્દ્ર સરકારના પ્રયત્નોથી દેશભરમાં 22.10 કરોડ લોકોનું વૅક્સિનેશન થઈ ચૂક્યું છે. બીજી તરફ કોંગ્રેસ શાસિત રાજ્યો દ્વારા કોવિડ વૅક્સિનના કાળા બજારી અને વૅક્સિનની બરબાદી કરીને વૅક્સિનેશન અભિયાનને મંદ પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, રાહુલ ગાંધીએ બીજાને સલાહ આપ્યા પહેલા કોંગ્રેસ શાસિત પંજાબ પર નજર નાંખવી જોઈએ. જાવડેકરે આરોપ લગાવ્યો કે, પંજાબ સરકારને કોવેક્સિનના 1.40 લાખ ડોઝ 400 રૂપિયાની કિંમતે પૂરા પાડવામાં આવ્યા હતા. જેને કોંગ્રેસ સરકારે ખાનગી હોસ્પિટલોને 1 હજાર રૂપિયાની કિંમતે વેચી માર્યા છે.

(12:00 am IST)