Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

પોલીસે ભૂખ્યા પેટે ૧૦૦ ઉઠબેસ કરાવી ૩ કિમી દોડાવતા યુવકની કિડની ફેલ થઈ ગઈ

યુવક દુકાન બંધ કરી રહ્યો હતો ત્યારે જ પોલીસ આવી અને કશુંય સાંભળ્યા વિના ઉઠાવી ગઈ : આખી રાત કવોરન્ટાઈન સેન્ટરમાં રાખ્યા બાદ બીજા દિવસે ૧૦૦ ઉઠબેસ કરાવી : યુવકે દંડ ભરવાની તૈયારી બતાવતા એક કોન્સ્ટેબલે ગાળો ભાંડીને ૩ કિમી દોડાવ્યો

ઉદયપુર,તા. ૫:  લોકડાઉનનું પાલન કરાવવામાં પોલીસે વધારે પડતી કડકાઈ બતાવતા એક વ્યકિતની કિડની ફેલ થઈ ગઈ છે. આ ઘટના રાજસ્થાનની છે, જેમાં એક વ્યકિતને પોલીસે ૧૦૦ ઉઠબેસ કરાવવાની સાથે ખાલી પેટે ત્રણ કિલોમીટર દોડાવતા તેને પેશાબ થવાનો બંધ થઈ ગયો હતો. જેથી તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયાં ડોકટરે જણાવ્યું હતું કે દર્દીની કિડનીને ભયાનક ડેમેજ થયું છે.

ઉદયપુર જિલ્લાના રહેવાસી મીઠાલાલ પ્રજાપતિ ઉદયપુરના અયાદમાં દૂધની ડેરી ચલાવે છે. તેઓ ૨૫જ્રાક મેના રોજ સરકારે મંજૂરી આપી હતી તેટલા સમય બાદ પોતાની દુકાન બંધ કરી રહ્યા હતા તે વખતે તેમને ત્યાં કેટલાક પોલીસવાળા પહોંચ્યા હતા. મીઠાલાલને પોલીસ જબરજસ્તી ઉઠાવીને કવોરન્ટાઈન સેન્ટરમાં લઈ ગઈ હતી. મીઠાલાલે પોલીસને જણાવ્યું હતું કે તેઓ દુકાન બંધ જ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમનું કશુંય નહોતું સાંભળ્યું.

બીજા દિવસે તેમનો RTPCR ટેસ્ટ કરાવાયો હતો અને તેમની માફક જે બીજા લોકોને ત્યાં લવાયા હતા તે તમામ લોકોને ૧૦૦ ઉઠબેસ કરાવાઈ હતી. તે વખતે મીઠાલાલે પોતે ઉઠબેસ નહીં કરી શકે અને જેટલો થાય તેટલો દંડ ભરવા તૈયાર છે તેમ કહેતા કોન્સ્ટેબલ ગુરુ દયાલે તેને ગાળો ભાંડી હતી. ઉઠબેસ કરાવાયા બાદ મીઠાલાલને ભૂખ્યા પેટે ત્રણ કિમી દોડાવાયો હતો.

બીજા દિવસે સાંજે ભૂરેલાલનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને છોડી મૂકાયો હતો. જોકે, તે ઘરે આવ્યો ત્યારે તેની તબિયત લથડી હતી અને તેને પેશાબ આવતો બંધ થઈ ગયો હતો. જેથી તેના પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈને દોડી ગયા હતા. ભૂરેલાલના ભાઈ કિશોર પ્રજાપતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે તેની કિડની મસલ્સનું પ્રેશર આવવાના કારણે ડેમેજ થઈ ગઈ છે. કિડનીમાં કોઈક લિકિવડ આવી જવાથી આ ડેમેજ થયું છે.

આ મામલે ભૂરેલાલના પિતા અને ભાઈએ ઉચ્ચ પોલીસ અધિકારીને મળીને ભૂરેલાલને આવી સ્થિતિમાં મૂકનારા કોન્સ્ટેબલ વિરુદ્ઘ ફરિયાદ આપી હતી. જેના પગલે કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તેની સામે ઈન્કવાયરી શરુ કરાઈ હતી.

ત્યારબાદ મીઠાલાલને ડાયાલિસિસ પર મૂકાયો હતો, પરંતુ તેની સ્થિતિમાં કોઈ સુધારો ના થતાં તેને સોમવારે સાંજે નડિયાદની કિડની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આવા જ એક અન્ય કિસ્સામાં સિકયોરિટી સર્વિસ પ્રોવાઈડર નંદ કિશોર ત્રિવેદીએ પોતાને લોકડાઉનમાં છૂટ મળી હોવા છતાં ગેરવર્તન કરી માર મારનારા બે કોન્સ્ટેબલ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી.

(10:36 am IST)