Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

દિલ્હી અનલોક : ૭ જુનથી મોલ - મેટ્રો - બજાર - ઓફિસ ખુલશે

ઓડ-ઇવન પધ્ધતિ લાગુ થશે : ઓફિસોમાં ૫૦ ટકાની ક્ષમતા રહેશે

નવી દિલ્હી તા. ૫ : કોરોના મહામારીની બીજી લહેરના કહેરથી દિલ્હીમાં લોકડાઉન લગાવવું પડયું. હવે દિલ્હી સરકાર ધીરે-ધીરે અનલોક કરી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એલાન કર્યું છે કે ઓડ - ઇવન ફોર્મ્યુલાથી બજાર ખુલશે. સીએમ કેજરીવાલે કહ્યું કે, હવે કોરોનાની સ્થિતિ કાબુમાં છે. સીએમે સાથે જ મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોવિડ ૧૯ ના કેસ ઓછા થતાં આગામી અઠવાડિયાથી રાજધાનીમાં લગાવેલા લોકડાઉનમાં વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરી છે.

પત્રકાર પરિષદમાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી જરૂરી છે. દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર હવે ૧ ટકાથી ઓછો છે. એટલે કે સ્થિતિ ખૂબ કંટ્રોલમાં છે. એટલા માટે ધીમે ધીમે ઘણું બધુ ખોલવામાં આવી રહ્યું છે.

આદેશ અનુસાર હવે દિલ્હીના બજારોને, મોલને ઓડ ઇવન બેસિસ પર ખોલવામાં આવી રહ્યા છે. તેના ટાઇમિંગનો સમય સવારે ૧૦ થી ૮ વાગ્યા સુધી રહેશે. તો બીજી તરફ સરકારી ઓફિસો પણ ખોલવામાં આવી રહી છે. જયાં કર્મચારી ૫૦ ટકા હાજરી સાથે કામ કરી શકશે. તો બીજી તરફ ૫૦ ટકા ક્ષમતા સાથે દિલ્હી મેટ્રો ચાલુ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઇ કોમર્સ દ્વારા પણ આપૂર્તિ ચાલુ રહેશે.

(3:51 pm IST)