Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષને કાર્યકરોનો ઘેરાવ

બંગાળમાં દીદીના વિજય બાદ ભાજપમાં ઉકળતો ચરુ : કાર્યકરોમાં ભાજપના બંગાળના ટોચના નેતાઓ સામે રોષ, તો બીજી તરફ નેતાઓમાં પણ આંતરિક મતભેદોની ચર્ચા

કોલકાતા, તા. ૫ : પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટીના વિજય બાદ મુખ્ય હરિફ પાર્ટી ભાજપમાં કાર્યકરોનો રોષ હવે બહાર આવી રહ્યો છે. કાર્યકરોમાં ભાજપના બંગાળના ટોચના નેતાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ નેતાઓમાં પણ આંતરિક મતભેદો હોવાની ચર્ચા થઈ રહી છે.

બંગાળના પ્રદેશ પ્રમુખ દિલિપ ઘોષનો પાર્ટીના સંગઠનની એક બેઠકમાં કાર્યકરોએ ઘેરાવ કર્યો હતો. હૂગલીમાં આ ઘટના બની હતી. કાર્યકરોએ વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ. કાર્યકરોની માંગ છે કે, બહુ જલ્દી હુગલીની સમિતિને ભંગ કરવામાં આવે. દરમિયાન ભાજપના કાર્યકરોના વિરોધ પ્રદર્શન બાદ આ વિસ્તારના સાંસદ લોકેટ ચેટરજીએ કહ્યુ હતુ કે, કાર્યકરો પોતાની વાત રજૂ કરવા માટે સ્વતંત્ર છે. તેઓ પાર્ટીના નેતાઓ સામે પોતાની ફરિયાદો રજૂ કરી શકે છે. આમ છતા કાર્યકરોએ શિસ્તમાં રહીને રજૂઆત કરવી જોઈએ.

દરમિયાન સાંસદે કહ્યુ હતુ કે, ટીએમસીના કાર્યકરોએ ભાજપના કાર્યકરોના ટોળામાં ઘુસીને હંગામો કર્યો હતો. જોકે ટીએમસીએ આરોપ ફગાવતા કહ્યુ હતુ કે, ભાજપે પોતાની અંદર જ જોવાની જરુર છે.

ભાજપે પહેલા પોતાનુ ઘર સંભાળવુ જોઈએ. ભાજપમાં ટિકિટ વહેંચણીમાં જે આંતર વિગ્રહ ચાલતો હતો તે બધા જાણે છે. ભાજપના નેતાઓ પોતાની આંતરિક લડાઈ પર પડદો પાડવા માટે ટીએમસી પર રાજકીય હિંસા કરવાનો આરોપ મુકી રહ્યા છે.

(8:23 pm IST)