Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ફરી હાઇવે ધમધમવા લાગ્યા

ફાસ્ટટેગ ડેઇલી કલેકશનનો રેકોર્ડ : માત્ર એક જ દિવસમાં રૂ. ૧૦૩.૫૪ કરોડની કમાણી

નવી દિલ્હી તા. ૫ : કેટલાય રાજ્યોમાં લોકડાઉનમાં ઢીલ પછી હાઇવે પર અવરજવર વધવાના કારણે ફાસ્ટેગ દ્વારા થનારૂ ટોલ કલેકશન કોરોનાની બીજી લહેર પહેલાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ૧ જુલાઇ ૨૦૨૧ના દિવસ દેશભરમાં ફાસ્ટેગ દ્વારા થતું કલેકશન ૧૦૩.૫૪ કરોડ રૂપિયા થઇ ગયું છે. ફાસ્ટેગ દ્વારા ઇલેકટ્રોનિક ટોલ કલેકશન દેશભરના ૭૮૦ સક્રિય ટોલ પ્લાઝા પર સંચાલિત થઇ રહ્યું છે.

જૂન ૨૦૨૧માં ટોલ કલેકશન વધીને ૨૫૭૬.૨૮ કરોડ રૂપિયા થઇ ગયું હતું જે મે ૨૦૨૧માં વસુલાયેલ ૨૧૨૫.૧૬ કરોડ રૂપિયા કરતા લગભગ ૨૧ ટકા વધારે છે. દેશભરમાં ફાસ્ટેગનો ઉપયોગ લગભગ ૩.૪૮ કરોડ યુઝર્સ દ્વારા લગભગ ૯૬ ટકા જેટલો થઇ રહ્યો છે અને અમુક ટોલ પ્લાઝા પર તો તે ૯૯ ટકા જેટલો થાય છે. એક અનુમાન મુજબ, ફાસ્ટેગ દર વર્ષે ઇંધણ પર લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની બચત કરશે. જેનાથી કિંમતી વિદેશી હુંડીયામણની બચત થશે અને પર્યાવરણને પણ મદદ થશે. હાઇવેનો ઉપયોગ કરનારાઓ દ્વારા ફાસ્ટીંગને અપનાવવાથી અને તેમાં સતત વધારાથી બધા નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર પ્રતીક્ષા સમયમાં ઘણો ઘટાડો થયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે નેશનલ હાઇવે ઓથોરોટી ઓફ ઇન્ડીયા (એનએનએઆઇ)એ દેશભરમાં ટોલનાકાઓ પર વાહનોનો પ્રતિક્ષા સમય ઓછો કરવા માટે ટોલ નાકાઓ માટે નવા દિશાનિર્દેશો બહાર પાડયા છે. તેમાં કહેવાયું છે કે દરેક વાહનને ૧૦ સેકન્ડમાં સેવા આપી દેવી જોઇએ. આ ઉપરાંત એનએચએઆઇએ એ પણ કહ્યું છે કે નવા આદેશોમાં ટોલ પ્લાઝા પર વાહનોની ૧૦૦ મીટરથી વધારે કતાર ના હોવી જોઇએ. જો ૧૦૦ મીટરથી વધારે લાંબી કતાર થાય તો તે સ્થિતિમાં વાહનોને ટોલ ભર્યા વગર જવાની પરવાનગી રહેશે જ્યાં સુધી લાઇન ૧૦૦ મીટરની નહીં થાય. બધા ટોલનાકા પર ૧૦૦ મીટરની દૂરીની જાણ કરવા માટે પીળા રંગની પટ્ટી બનાવવામાં આવશે. આ પગલું ટોલ પ્લાઝાના ઓપરેટરોમાં જવાબદારીની ભાવના ઉત્પન્ન કરવા માટે છે.

(11:07 am IST)