Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

કોરોના બાળકો ઘરમાં કેદ : શીખી રહ્યા છે મોડું બોલતા - ચાલતા

મહામારીના કારણે બાળકો ચાર દિવાલની વચ્ચે વધારે રહે છે : જેના કારણે તેમનો સ્ક્રીન ટાઇમ વધી ગયો છે : જેની તેમના વિકાસ પર ખૂબ ખરાબ અસર પડે છે

નવી દિલ્હી તા. ૫ : શહેરમાં રહેતા એક દંપતીને પોતાની ચાર વર્ષની દીકરી પા પા પગલી ભરવા સિવાય સરખું ચાલતા ન શીખી હોવાથી ચિંતા થઈ આવી હતી. દંપતીને દીકરીને લઈને ડર પેસી ગયો હતો કારણ કે તે મર્યાદિત શબ્દો જ બોલતી હતી અને તેમની જ ઉંમરના પાડોશમાં રહેતા બાળકોની જેમ તે સડસડાટ બોલી શકતી નહોતી. આ માટે બાળકીના માતા-પિતાએ હાલમાં જ સાઈકિયાટ્રિસ્ટનો સંપર્ક કર્યો હતો.

સાઈકિયાટ્રિસ્ટ તેમના સહયોગીઓ સાથે ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર (ASD)વિશે ચર્ચા કર્યા બાદ, તે વાત સાથે સંમત થયા હતા કે, બાળકનું મોડા બોલતા અને ચાલતા શીખવું તે મહામારીના કારણે ઘરની ચાર દિવાલમાં રહેવાનું પરિણામ છે. આ સાથે ડોકટરોએ માતા-પિતાને તેવી પણ ખાતરી આપી હતી કે, તેમાં ચિંતા કરવાની કોઈ વાત નથી.

'મહામારીના કારણે છોકરી પોતાનો મોટાભાગનો સમય ઘરમાં જ કાઢે છે. એક બાળક માટે પોતાના ઉંમરના બાળકો સાથે વાતો કરવી અને પ્રી-સ્કૂલ તેમજ ઘર બહાર રખડવા જેવી પ્રૃવતિ વગર એક વર્ષથી વધુ સમય માટે ઘરમાં રહેવું તે લાંબો સમયગાળો છે. પ્રોત્સાહનના અભાવના કારણે, છોકરી ખૂબ ઓછા શબ્દો બોલી શકતી હતી અને ઝડપથી ચાલી શકતી નહોતી', તેમ શહેરના બાળ અને કિશોર મનોચિકિત્સક ડો. જિગ્નેશ શાહે કહ્યું હતું.  'જો કોરોના હોત જ નહીં તો આવી સ્થિતિ ઉત્પન્ન ન થાત'.

કોરોનાએ ઘણા શહેરીજનોના શરીરને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું છે, આ સિવાય તેણે મગજને પણ અસર પહોંચાડી છે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, તેમ શહેરના નિષ્ણાતોનું કહેવું છે. વધારે પડતી સ્ક્રીન ટાઈમિંગ, વાતચીતમાં કમી, વર્ક ફ્રોમ હોમ તેમજ ઘરના કામના કારણે માતા-પિતાનું તણાવપૂર્ણ વર્તન વગેરે બાળકોના કુદરતી વિકાસ પર અસર કરે છે. નિષ્ણાતોએ બાળકોમાં ધ્યાનની ખોટથી લઈને આક્રમક વર્તન સુધીના મુદ્દા જોયા છે, જેના કારણે માતા-પિતાએ પ્રોફેશનલ મદદ લેવી પડે છે.

બાળ અને કિશોર મનોચિકિત્સક ડો. પુનિતા ગ્રોવરે કહ્યું હતું કે, ઘણા બાળકોમાં બોલવાને લઈને તકલીફ જોવા મળી રહી છે. 'એક કેસમાં, ૬ વર્ષનું બાળક તેની ઉંમરના બાળકો જેટલું બોલી શકતું નહોતું. આવા કેસમાં અમે માનીએ છીએ કે, સ્ક્રીન એ વ્યકિતથી વ્યકિતના કોમ્યુનિકેશનનો વિકલ્પ નથી. વિકાસના તબક્કા પર બાળકો નવા શબ્દો શીખે છે અને તેમને ગોઠવતા શીખે છે. જયારે કોમ્યુનિકેશન (સ્ક્રીનની સાથે) એકતરફી હોય ત્યારે કેટલાક બાળકો માટે તે મુશ્કેલીઓ ઉભી કરે છે', તેમ ડોકટરે જણાવ્યું હતું.'

કોવિડ-૧૯ મહામારીના કારણે ઓનલાઈન કલાસ ચાલી રહ્યા હોવાથી બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે. ડોકટરો પાંચ વર્ષના બાળકોમાં સ્ક્રીન એડિકશન જોઈ રહ્યા છે. શહેરના સાઈકિયાટ્રિસ્ટ ડો. નેહલ શાહના કહેવા પ્રમાણે, જો બાળક મોબાઈલ સાથે રાખ્યા વગર ખાશએ નહીં તો તે 'એડિકટેડ' છે. ખૂબ નાની ઉંમરમાં બાળકોને પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવા માટે સતત કંઈક કરવાની જરૂર હોય છે. માતા-પિતા જેઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા, તેમણે બાળકોને સ્ક્રીનથી વ્યસ્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં તે કેટલાક બાળકો માટે જરૂરીયાત બની ગઈ'. ડોકટર માતા-પિતાને તેમનો સ્ક્રીન ટાઈમ ઘટાડવાની તેમજ બાળકો માટે એક ઉદાહરણ બેસાડવાની સલાહ આપે છે.

(10:09 am IST)