Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

૧૨,૦૦૦ચો.મી.નું વિસ્તરણ સંપન્ન કર્યું

એશિયન ગ્રેનિટોના આકર્ષક પરિણામો : ૫૭.૨૩ કરોડનો નફો

મુંબઇ,તા. ૫:   ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીઆઈએલ) તેની પેટા કંપની ક્રિસ્ટલ સિરામિક ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ (ક્રિસ્ટલ સિરામિકસ) ખાતે મોટાપાયે વિસ્તરણની કામગીરી પૂરી કરી છે. ક્રિસ્ટલ સિરામિકસે ગુજરાતમાં તેના મહેસાણા પ્લાન્ટ ખાતે ગ્લેઝડ વિટ્રિફાઈડ ટાઈલ્સની નવી પ્રોડકશન લાઈનમાં દૈનિક ૧૨,૦૦૦ ચોરસ મીટરની વિસ્તરણ કામગીરી સંપન્ન કરી છે. આ વિસ્તરણ માટે ક્રિસ્ટલ સિરામિકસે રૂ. ૨૫ કરોડનું રોકાણ કર્યું છે. ક્રિસ્ટલ સિરામિકસમાં એશિયન ગ્રેનિટો ૭૦ ટકા ઈકિવટી હિસ્સો ધરાવે છે.

દૈનિક ૧૨,૦૦૦ ચોરસ મીટરની ક્ષમતાના વિસ્તરણથી ક્રિસ્ટલ સિરામિકસ અને એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના કન્સોલિડેટેડ ટર્નઓવરમાં વાર્ષિક વેચાણમાં લગભગ રૂ. ૭૦-૭૫ કરોડનો ઉમેરો થશે. ક્રિસ્ટલ સિરામિકસે નાણાંકીય વર્ષ ૨૦૨૧માં રૂ. ૧૮૪.૪૫ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું.

નાણાંકીય વર્ષ ૨૦૨૧ માટે કંપનીએ કન્સોલિડેટેડ ધોરણે રૂ. ૫૭.૨૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે ૩૬ ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧ માટે ચોખ્ખા વેચાણો રૂ. ૧,૨૯૨ કરોડ રહ્યા હતા જે વાર્ષિક ધોરણે છ ટકા વધુ હતા. એબિટા રૂ. ૧૩૫.૯૫ કરોડ નોધાઈ હતી જે વાર્ષિક ધોરણે ૧૬ ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૧માં એબિટા માર્જિન ૯૧ બેસિસ પોઈન્ટ્સ વધીને ૧૦.૫ ટકા રહ્યું હતું જયારે ચોખ્ખા નફાનું માર્જિન ૧૦૦ બેસિસ પોઈન્ટ્સ વધીને ૪.૪ ટકા રહ્યું હતું.

(10:17 am IST)