Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

હવામાન અંગે કરવામાં આવતી કોઇપણ આગાહી ૧૦૦% સાચી નથી પડતી

હવામાન અંગેની આગાહી જેટલી લાંબી હોય તેટલી ખોટી પડવાની સંભાવના વધી જતી હોય છે : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહી વિશે શું કહે છે વૈજ્ઞાનિકો : ૧૦૦% સાચી જ પડે તેવી હવામાન અંગે આગાહી કરવી જરાય સરળ નથી : આગાહી ટૂંકા સમયની હોય ત્યારે સાચી પડવાની સંભાવના વધી જતી હોય છે

નવી દિલ્હી તા. ૫ : જયારે વરસાદ, ગરમી, ઠંડી કે વાવાઝોડા જેવા કુદરતી ઉતાર-ચઢાવ અંગે અનુમાન કરવામાં આવે તે પછી જો તે પ્રમાણેનું હવામાન ના બને તો ટિકા અને નિંદાઓ થતી હોય છે. ચોમાસુ હજુ પણ શહેરો અને તેના આસપાસના વિસ્તારોથી દૂર હોવાના કારણે પૂર્વાનુમાનને લઈને ભારતીય હવાામાન વિભાગ (IMD) નિદાઓથી ઘેરાઈ રહ્યું છે.

IMDમાં હવામાન વિજ્ઞાનના ડિરેકટર મૃત્યુંજય મહાપાત્રા કહે છે કે દુનિયામાં કોઈ પણ આગાહી મોડલમાં સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી સાથે પણ હજુ ૧૦૦% ચોકસાઈ જોવા મળતી નથી.

મહાપાત્રાએ જણાવ્યું કે, 'અણધાર્યું' ચોમાસું હોય ત્યારે તેના વિશે શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે પણ માત્ર ૫૫-૬૦% ચોકસાઈવાળી જ આગાહી કરી શકાતી હોય છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરીને મહાપાત્રાએ જણાવ્યું કે, 'અમારું લક્ષ્ય એવી ટેકનોલોજીનું છે કે જેના દ્વારા હવામાનનું પૂર્વાનુમાન ચોકસાઈવાળું હોય. જોકે, હજુ તે દિવસ દૂર છે, ત્યાં સુધી વ્યકિતના અનુભવ અને ડેટાની સમજણ જરુરી છે.'

મહાપાત્રાએ જણાવ્યું કે, 'ચોમાસું ધીમું હોવાની અને જુલાઈના બીજા અઠવાડિયા સુધી મધ્ય સુધી આવવાના સંબંધમાં ૧ જુલાઈએ કરાયેલા પૂર્વાનુમાન હજુ ટ્રેક પર છે. જોકે, કેટલાક મામલામાં લાંબા સમયના પૂર્વાનુમાન ચોક્કસ ના હોઈ શકે. આ પ્રકારની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, કે ૧૫ દિવસથી વધુના સમયમાં ચોમાસુ કઈ રીતે આગળ વધશે.'

હવામાન વિભાગ મુજબ ૨૪ કલાક માટેની હવામાનની અપડેટ ૮૦%, તેનાથી વધુ ૫ દિવસ માટેની આગાહી ૬૦% સાચી પડતી હોય છે.

હવામાન વિભાગ મુજબ, આ પ્રકારનું અનુમાન માનવ હસ્તક્ષેપ પર આધારિત હોય છે, કારણે ઘણી વખત માત્ર ડેટા ઉપર આધારિત રહેવાથી અર્થઘટના અવળું થઈ શક છે.

દરરોજ સવારે હવામાન વિભાગ દ્વારા વિડીયો મીટિંગનું આયોજન કરવામાં આવે છે જેમાં દેશભરના વૈજ્ઞાનિક પોતાનો અનુભવ શેર કરે છે, આ સાથે થોડા દિવસ માટે રહેનારી પેટર્ન વિશે વાત કરે છે. હવામાન અંગેની આગાહી મશીન, સેટેલાઈટ તસવીરો અને રડાર ટેકનોલોજી પર આધારિત હોય છે. હવામાન વિભાગના અધિકારી આ અંગે જણાવે છે કે, હવામાન અંગેની આગાહીમાં ૭૦% ટેકનોલોજી અને ૩૦% માનવ હસ્તક્ષેપ જવાબદાર હોય છે.

અધિકારી જણાવે છે કે, 'મશીનરી, મોડલ અને માનવ સ્કીલ તથા અનુભવનો આગાહીમાં સંયોજન હોય છે. ૨૪ કલાકના હવામાનમાં કયારેય અચાનક આવતા ફેરફારો નોંધવા અશકય હોય છે, કલાકોના અનુમાનમાં શકય હોય છે. જેના કારણે અમારી નાઉકાસ્ટ સુવિધા, જે દર ત્રણ કલાક માટે આગાહી કરે છે જે વધારે ચોકસાઈવાળી હોય છે.'

એટલે કે સેટેલાઈટ તસવીરોના આધારે કરવામાં આવેલું ૩-૪ કલાકનું અનુમાન ૨૪ કલાક માટે ખોટું પણ પડી શકે છે, વૈજ્ઞાનિકો ટેકનોલોજીનો કઈ રીતે વધુ ઉપયોગ થઈ શકે તે અંગે પણ વિવિધ સંશોધન કરી રહ્યા છે.

(12:04 pm IST)