Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

રાજ્યના મહાનગરો સાથે ૧૮ શહેરોમાં રાત્રી કફર્યુ સહિતના નિયંત્રણોમાં મોટી છૂટછાટની શકયતા

રાત્રી કફર્યુની મુકિત અથવા બે કલાકનો ઘટાડો થવાની સંભાવનાઃ વ્યવસાયીક એકમોને પણ રાહતની ધારણા

રાજકોટ, તા.૫: રાજ્યની આઠ મહાનગરપાલિકા અને ૧૦ અન્ય શહેરો સહિત કુલ ૧૮ શહેરોમાં હાલ રાત્રી કર્ફ્યુ સહિતની પાબંધી કોરોનાના કારણે લાદવામાં આવી છે. ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુની મુદ્ત આજે પૂર્ણ થઇ રહી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે હવે ૧૮ શહેરોને રાત્રી કર્ફ્યુમાંથી મૂકિત આપવામાં આવે અથવા સમય મર્યાદામાં બે કલાકનો ઘટાડો કરવામાં આવે તેવી પણ સંભાવના જણાય રહી છે.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો ત્યારે રાજ્ય સરકાર દ્વારા ૩૬ શહેરોમાં મીની લોકડાઉન સાથે કેટલાક આકરા પ્રતિબંધો લાદ્યા હતાં. દરમિયાન જૂન માસથી સંક્રમણમાં સતત ઘટાડો નોંધાતા ૩૬ પૈકી ૧૮ શહેરોને ગત ૨૫મી જૂનથી રાત્રી કર્ફ્યુમાં મુકિત આપવામાં આવી હતી જ્યારે રાજકોટ સહિત રાજ્યની આઠ મહાનગર પાલિકા ઉપરાંત વાપી, અંકલેશ્ચર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભૂજ અને ગાંધીધામમાં રાત્રી કર્ફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને રાત્રીના ૧૦ થી સવાર ૬ વાગ્યા સુધી હાલ કર્ફ્યુ અમલમાં છે. આ ઉપરાંત આ ૧૮ શહેરોમાં હોટેલ-રેસ્ટોરન્ટ રાત્રીના ૯ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાય છે અને નિર્ધારિત ક્ષમતા કરતા ૬૦ ટકાની ક્ષમતા સાથે ચલાવી શકાય છે. જો કે ફૂડ ડિલિવરીની છૂટ રાત્રીના ૧૨ વાગ્યા સુધીની છે. દુકાનો પણ રાત્રીના ૯ વાગ્યા સુધી ખૂલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં ૧૦૦ વ્યકિતઓ અને અંતિમ વિધી કે દફન વિધીમાં ૪૦ વ્યકિતઓને ભેગા થવાની છૂટછાટ આપવામાં આવી છે.

(3:10 pm IST)