Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

અમે ભારત-પાકિસ્તાન નથી

આમિર ખાન અને કિરણ રાવની જેમ છે ભાજપ અને શિવસેનાઃ સંજય રાઉત

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ એક વખત ફરી સાથે આવવાની અટકળો વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે

મુંબઇ, તા.૫: મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ એક વખત ફરી સાથે આવવાની અટકળો વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાઉતે ભાજપ સાથે પોતાની પાર્ટીના સંબંધોની સરખામણી અભિનેતા આમિર ખાન અને કિરણ રાવના સંબંધ સાથે કરી છે. બન્નેએ હાલમાં જ છૂટાછેડાની જાહેરાત કરી છે.

શિવસેનાના નેતા સંજય રાઉતે સોમવારે કહ્યું કે, અમે ભારત-પાકિસ્તાન નથી. આમિર ખાન અને કિરણ રાવને જુઓ, તે આ પ્રકારનો સંબંધ છે. અમારા (શિવસેના-ભાજપ) રાજકીય માર્ગ અલગ છે, પરંતુ મિત્રતા કાયમ રહેશે.

આ પહેલાં ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેમની પાર્ટી અને પૂર્વ સહયોગી પક્ષ શિવસેના 'દુશ્મનો' નથી. જોકે તેમની વચ્ચે કેટલાક મુદાઓ પર અભિપ્રાયો અલગ હોઇ શકે છે. રાજકારણમાં કશું જ કાયમી નથી. બન્ને પૂર્વ સાથી પક્ષો ફરીવાર સાથે આવી શકે છે કે કેમ તેવા એક સવાલના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે સ્થિતિના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

ફડણવીસે ઉમેર્યું હતું કે 'અમારા મિત્ર (શિવસેના)એ અમારી સાથે મળીને ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી લડી હતી. પરંતુ ચૂંટણી પછી તેણે અમે જેમની સામે ચૂંટણી લડ્યા હતા તે લોકો (એનસીપી અને કોંગ્રેસ) સાથે હાથ મિલાવી લીધા છે.' ઉલ્લેખનીય છે કે રાજયમાં વિધાનસભાની ચૂંટણી બાદ શિવસેનાએ મુખ્યમંત્રી પદનો દાવો કરતાં ગઠબંધન તૂટી ગયું હતું.

(3:23 pm IST)