Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

નરેન્દ્રભાઇ આજે કોવિન વૈશ્વિક સંમેલનને સંબોધિત કરશે

નવી દિલ્હી, તા. પ :  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે એટલે કે સોમવારે કોવિન વૈશ્વિક સંમેલનમાં પોતાના વિચારોને રજૂ કરશે. અહીં ભારત કોવિન મંચને અન્ય દેશને માટે ડિજિટલ જનસેવાના આધારે રજૂ કરશે. જેથી તેઓ કોરોનાના વેકસીનેશન અભિયાનને સંચાલિત કરી શકે. અત્યાર સુધીમાં કેનેડા, મેકિસકો, નાઈજિરિયા, પનામા અને યુગાન્ડા સહિત લગભગ ૫૦ દેશોએ વેકસીનેશન અભિયાન માટે ડિજિટલ મંચ કોવિનને અપનાવવામાં રસ દેખાડ્યો છે. આ જાણકારી હાલમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સીઈઓ ડો. આર એસ શર્માએ આપી હતી. તેઓએ કહ્યું હતું કે ભારત સોફ્ટવેયરને ફ્રીમાં આપવા માટે તૈયાર છે. 

શર્માએ કહ્યું કે વડાપ્રધાનએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે આ મંચનું ઓપન સોર્સ તૈયાર કરવામા આવે અને જે પણ દેશ તેને લેવા ઈચ્છે છે તેમને ફ્રીમાં આપવામાં આવે. એનએચએએ ટ્વિટ કરી છે કે આ જાહેરાત કરતા અમને આનંદ થાય છે કે માનનીય પીએમ મોદી કોવિન વૈશ્વિક સંમેલનમાં પોતાના વિચારો રજૂ કરશે અને ભારત કોરોનાની લડાઈમાં દુનિયાને કોવિનની રજૂઆત કરશે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન ડિજિટલ સંમેલનનું ઉધ્ધાટન કરશે. સંમેલનને વિદેશ સચિવ એચ. વી. શ્રૃંગલા, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને શર્મા પણ સંબોધિત કરી શકે છે. એનએચએએ પોતાની વેબસાઈટ પર કહ્યું છે કે ડિજિટલ સંમેલનમાં અલગ અલગ દેશના સ્વાસ્થ્ય અને પ્રૌદ્યોગિક વિશેષજ્ઞો પ્રતિનિધિત્વ કરશે. એનએચએએ કહ્યું છે કે કોરોનાની લડાઈમાં કોવિનની મદદથી ભારત દુનિયાની સાથે હાથ મિલાવવા ઉત્સુક છે.

(3:25 pm IST)