Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પેગાસસ જાસૂસીકાંડ

જો રિપોર્ટ સાચો હોય તો હકીકતે આરોપો ગંભીર

સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન કેસને ગંભીર ગણ્યો : કપિલ સિબ્બલે સરકારને નોટીસ ફટકારવા માંગણી કરી : વધુ સુનાવણી મંગળવારે

નવી દિલ્હી તા. ૫ : પેગાસસ જાસૂસીકાંડ મુદ્દે સકડથી સંસદ સુધી સંગ્રામ ચાલુ છે આ મામલાની સ્વતંત્ર તપાસ કરવાનો અનુરોધ કરતી વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી છે. જે અંગેની સુનાવણી ચાલુ છે. આ અરજીઓમાં પેગાસસ જાસૂસીકાંડની કોર્ટની નિગરાનીમાં એસઆઇટીની તપાસની માંગ કરી છે. તેમાં રાજનેતા, એકિટવિસ્ટ, એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા અને વરિષ્ઠ પત્રકારો એન. રામ અને શશીકુમાર દ્વારા કરવામાં આવેલી અરજીઓ સામેલ છે.

સીજેઆઇએ કહ્યું કે, આ બધામાં ઊંડાણપૂર્વક ગયા પહેલા કેટલાક પ્રશ્નો છે. તેમાં કોઇ શંકા નથી, જો રીપોર્ટ સાચો સાબિત થશે તો આરોપ ગંભીર ગણાશે. સીજેઆઇએ વધુમાં ઉમેર્યું કે, જાસૂસીનો રીપોર્ટ ૨૦૧૯માં સામે આવ્યો હતો. મને એ જાણ નથી કે વધુ જાણકારી પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા.

પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટે આવેલ અરજી પર સુનવણી દરમ્યાન  મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાએ અરજી કરનાર લોકોને પૂછ્યું છે કે જે લોકો ફોન હેક કરવાનો દાવો કરી રહ્યા છે તેઓએ હજી સુધી આ મામલે કોઈ ફરિયાદ કે અરજી કેમ નથી કરી? મુખ્ય જસ્ટિસે કહ્યું કે જે લોકો દાવો કરી રહ્યા છે તેમનો ફોન હેક થયો છે તો તે લોકોએ હજી સુધી આવી કોઈ ફરિયાદ કરવાનો પ્રયાસ કેમ નથી કર્યો?સુપ્રીમ કોર્ટે એકદમ કડકાઇથી કહ્યું છે કે આ અરજીઓમાં ન્યૂઝ પેપરના કટિંગ સિવાય બીજું કઈ છે જ નહીં. સાથે જ તેમણે એ પણ કહ્યું કે ફોન ટેપિંગની ઘટનાનો દાવો સાચો છે તો પછી આ એક ગંભીર કેસ છે. વધુમાં આ કેસમાં ખૂટતા પુરાવા રજૂ કરવાની પણ ટકોર કરી છે.

પેગાસસ મામલે અત્યાર સુધી સુપ્રીમકોર્ટમાં ૯ અરજીઓ દાખલ કરવામાં આવી છે અને આ અરજીઓની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની બેચ કરી રહી છે. આ અરજીકર્તામાં એડિટર્સ ગિલ્ડ્, CPI ના સાંસદ જોન બિટ્સ, પત્રકાર એન રામ, શશી કુમાર, વકીલ એમએલ શર્માના નામ છે. આ અરજીઓની સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં સામેલ થયા છે.

આ અરજી પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે વધુ પડતી અરજીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ મીડિયામાં છપાયેલી ખબરોના આધાર પર છે. આ સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે પોતાની વાત કહેવા માટે કેલીફર્નિયાની એક કોર્ટનો હવાલો સંભળાવ્યો પણ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અરજીમાં તમે કેટલાક ભારતીય પત્રકારોનો નામ લખ્યા છે પણ કેલિફોર્નિયાની કોર્ટમાં આવી કોઈ વાત કહેવામાં આવી નથી. આ વાત સાંભળતા કપિલ સિબ્બલે કહ્યું કે સરકારે સામે આવીને આ વિશે જવાબ આપવો જોઈએ.

(3:17 pm IST)