Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે ત્યારે

અઢીસો ફુટ ઊંડાણમાં આવેલ 'ગેપરનાથ મહાદેવ' ના દર્શન કરી ધન્યતા અનુભવતા ભાવિકો

રાજસ્થાનના કોટા પાસે આવેલ આ શિવાલય ૧૬મી સદીમાં બનેલ છેઃ ૩૦૦ જેટલા પગથીયા : 'ગેપરનાથ' કેમ કહેવાયા? ચાલો જાણીએઃ પિકનિક સ્પોટ પણ કહેવાય છે

રાજકોટ તા. પ :.. નજીકના દિવસોમાં જ પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે અને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં શિવ મંદિરોમાં ભાવિકો-શ્રધ્ધાળુઓ મહાદેવના આશીર્વાદ લઇને ધન્યતા અનુભવશે. હાલના પવિત્ર અને ધાર્મિક માહોલ વચ્ચે ચાલો જાણીએ 'ગેપરનાથ મહાદેવ' નું મહત્વ.

અઢીસો ફુટ ઊંડાણમાં આવેલ 'ગેપરનાથ મહાદેવ' ના દર્શન કરીને સમગ્ર વર્ષ દરમ્યાન ભાવિકો ધન્યતા અનુભવે છે. રાજસ્થાનના કોટા પાસે ચંબલ નદીના કિનારે આવેલ આ શિવ મંદિર ૧૬મી સદીમાં બનેલું છે અને અંદાજે ૩૦૦ જેટલાં પગથીયા ઉતરીને 'ગેપરનાથ મહાદેવ' ના અલૌકિક દર્શન થાય છે.

ભગવાન શિવ કૈલાશવાસી છે પરંતુ આ શિવાલય એવું છે કે જયાં ભગવાન શિવ રપ૦ ફુટ જેટલી ઊંડાઇમાં ગુફામાં નાના મંદિરમાં બિરાજમાન છે. પ્રાચીન સમયથી શિવભકતોની આસ્થાનું આ મુખ્ય કેન્દ્ર કોટાથી અંદાજે રર કિલો મીટર જેટલું દૂર રથકાકરાની પાસે આવેલ છે. રાજસ્થાનના હાડૌતીનું પિકનીક સ્પોટ પણ કહેવાય છે. હાડૌતી ખાતે બાજુમાં ધુન્ડલેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે. રપ૦ ફુટ ઊંડુ શિવાલય હોવાથી એવું કહેવાય છે કે દર્શન આપતા પહેલા શિવ ભગવાન ભાવિકોની પરીક્ષા લે છે. ભાવિકો - શ્રધ્ધાળુઓ હસતે મોઢે આ પરીક્ષામાંથી પાસ થઇને 'ગેપરનાથ મહાદેવ'ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પ્રમાણ સાથે એવું પણ કહેવાય છે કે સંત દામોદરપુરી સહિતના અન્ય સંતોની પણ આ જગ્યા તપોભૂમિ રહી છે.

'ભગવાન ગેપરનાથ' શું  કામ કહેવાયા ? તે વિશે  ઇતિહાસવિદ્ ફીરોઝ અહમદ જણાવે છે કે કોટાની રાણીએ  ઇ.સ. ૧પ૭૯ માં મંદિર તથા  ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું હતું.

ગેપરનો અર્થ 'ગડઢા' એટલે કે ઊંડાણમાં મંદિર હોવું તેવો થાય છે. આ કારણે ભગવાન 'ગેપરનાથ મહાદેવ' કહેવાયા.

ચાર દિવસ પછી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે. ત્યારે આપણે સૌ શિવ ભગવાનને પ્રાર્થના કરીએ કે ગુજરાત - ભારત સહિત સમગ્ર વિશ્વ જલ્દીથી કોરોના મુકત બને અને જનજીવન પૂર્વવત બની જાય, મહાદેવ હર.

(3:29 pm IST)