Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

શ્રીમતી ભૈરવી હેમંત કોશિયાનું કલાક્ષેત્રે અનન્ય પ્રદાન, રાષ્ટ્રીય કક્ષાના ડો. કલામ સ્મૃતિ એવોર્ડથી સન્માન

ભારત સરકારના માહિતી વિભાગ અને ફેસગ્રુપ દ્વારા ગુજરાતના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. હેમંત કોશિયાના જીવનસંગીની શ્રીમતી ભૈરવી કોશિયાને (મો. ૯૩૨૮૦ ૯૧૦૦૦) નૃત્યકલા અને ટેલીવિઝન ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ નવી દિલ્હી ખાતે ડો.કલામ સ્મૃતિ એકસેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. 

રાજકોટ,તા. ૫:તાજેતરમાં નવી દિલ્હી ખાતે જે.પી. હોટલ એન્ડ રીસોર્ટમાં ડો. કલામ સ્મૃતિ એકસેલન્સ એવોર્ડ-૨૦૨૦ એવોર્ડ સમારંભ યોજાયો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામની યાદમાં આ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી ૨૫ જેટલી વ્યકિતઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે . જેમાં જેમાં જુદા જુદા રાજયો જેવા કે દિલ્હી , હરિયાણા , યુપી. , મહારાષ્ટ્ર , કર્ણાટક આસાન ગુજરાત , રાજસ્થાન વગેરેમાંથી એવોર્ડિઝ આવ્યા હતા. જેમાં આર્ટ અને કલ્ચર તથા મીડિયા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર ગુજરાતના શ્રીમતી ભૈરવી હેમંત કોશિયાનો સમાવેશ થયો છે અને તેમનું ડો. કલામ સ્મૃતિ એકસેલન્સ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ હતું.

ડો. કલામ સ્મૃતિ એકસેલન્સ એવોર્ડનું સન્માન કલા, નૃત્ય, પત્રકારત્વ, અભિનય, શિક્ષણ, રમતગમત સહિતનાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યકિતઓને અપાય છે. આ એવોર્ડનું આયોજન ફેસ ગૃપ અને ભારત સરકારનાં ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલય દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાતના શ્રીમતી ભૈરવી હેમંત કોશિયાના ચાર દાયકાના નૃત્ય-કલા અને ૩ દાયકાના ટેલીવિઝન - ફીચર ફિલ્મ ક્ષેત્રના યોગદાનને ધ્યાનમાં લઈને કલા અને સંસ્કૃતિ તથા મિડીયા ક્ષેત્ર કેટેગરી અંતર્ગત સન્માનીત કરવામાં આવ્યા છે.

શ્રીમતી ભૈરવી હેમંત કોશિયા અમદાવાદ ખાતે છેલ્લા ચાર દાયકાથી નૃતિ સ્કુલ ઓફ કલાસીકલ ડાન્સીસ એન્ડ પરફોર્મીંગ આર્ટસ દ્વારા બાળકોને ભરતનાટ્યમ , કુચીપુડ તથા લોકનૃત્યોની તાલીમ આપે છે. એટલુ જ નહિ તેમના ગૃપ દ્વારા દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. અમેરીકા, યુરોપ, સિંગાપોર, મલેશીયા, ઇન્ડોનેશીયા સહિતના દેશોમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસારમાં તેમણે ખુબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. રાજય સરકાર દ્વારા અગાઉ તેમને નૃત્ય ક્ષેત્રનો ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબત કલા જગત તેમજ ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે.

આ કાર્યક્રમમાં ફેસ ગ્રુપના અધ્યક્ષ ડો.મુસ્તાક અન્સારી, મુખ્ય અતિથિ તરીકે દિલ્હી લઘુમતી પંચના અધ્યક્ષ ઝાકીર ખાન , ભારતીય સૈન્યના કર્નલ એચ.એસ. એટ્રી, ધારાસભ્ય એસ.કે. બગ્ગા, એડવોકેટ, મિસીસ યુનિવર્સ વેસ્ટ એશિયા તેમજ દિલ્હી ભાજપ કલ્ચર સેલના પ્રમુખ રૂબી ફોગાટ યાદવે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.

(9:42 am IST)