Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ચોથી જાગીર સમાન ગણાતા પત્રકાર આલમના અર્ણબ ગોસ્વામીની ધરપકડ : રિપબ્લિક ટીવીના ચીફ અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરવા મહારાષ્ટ્ર પોલીસે એન્કાઉન્ટર માટે કુખ્યાત પોલીસ અધિકારીને મોકલ્યા : કોઈપણ જાતના સમન્સ પાઠવ્યા વિના બળજબરીથી ધરપકડ કરી : 2018 ની સાલમાં બંધ કરી દેવાયેલો કેસ ફરી ઉખેડી 14 દિવસના રિમાન્ડ મંજુર કરાવ્યા : ઉપરાંત ધરપકડ સમયે મહિલા પોલીસ ઉપર હુમલો કરવાની એફઆઈઆર દાખલ કરાઈ : દિલ્હી સ્થિત વકીલે અર્ણબને બચાવવા રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશનને રજુઆત કરી

મુંબઈ : ચોથી જાગીર સમાન ગણાતા પત્રકાર આલમના અર્ણબ ગોસ્વામીની ગઈકાલ બુધવાર સવારે મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. રિપબ્લિક ટીવીના ચીફ અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરવા માટે મહારાષ્ટ્ર પોલીસે એન્કાઉન્ટર માટે કુખ્યાત પોલીસ અધિકારીને મોકલ્યા હતા.જેઓએ કોઈપણ જાતરના સમન્સ પાઠવ્યા વિના બળજબરીથી  ધરપકડ કરી હતી.જે દરમિયાન શારીરિક હુમલો થયો હોવાની અર્ણબે   રજુઆત કરી હતી.સામે પક્ષે ધરપકડ સમયે મહિલા પોલીસ ઉપર હુમલો કરવાની એફઆઈઆર દાખલ કરાઈ છે.નામદાર કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. દિલ્હી સ્થિત વકીલે અર્ણબને બચાવવા  રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશનને રજુઆત કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ  અન્વય નાઇક નામના એક ઇન્ટીરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર મહારાષ્ટ્ર પોલીસે અર્ણબની  ધરપકડ કરી હતી. નાઇકની  સુસાઇડ નોટમાં રિપબ્લિક ટીવીના અર્ણબ ગોસ્વામી, ફિરોઝ શેખ અને નિતિશ સારડા નામના ત્રણ જણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સુસાઇડ નોટમાં અર્ણબના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 2018 ની સાલમાં બંધ કરી દેવાયેલા આ પ્રકરણની તપાસ ફરીથી ઠાકરે સરકારે કરાવવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ નાઇકની પત્નીની સીઆઇડી તપાસની માગણી બાદ મહારાષ્ટ્રનાં ગૃહપ્રધાન અનિલ દેશમુખે આ સમગ્ર  પ્રકરણે સીઆઇડીને તપાસનો આદેશ આપ્યો હતો.

આ  પ્રકરણે અલીબાગ પોલીસ આજે સવારે સાત વાગ્યે અર્ણબના ઘરે પહોંચી ગઇ હતી. રાયગઢ પોલીસ સાથે મુંબઇ પોલીસના પણ અમૂક અધિકારઓ આ સમયે સાથે હતો. પોલીસે અર્ણબ ગોસ્વામીને તેમના ઘરેથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો  હતો. જોકે અર્ણબના પરિવારજનોએ આ વાતનો વિરોધ કર્યો હતો.

અર્ણબના પુત્રએ પોલીસની આ સમગ્ર કાર્યવાહીને તેના મોબાઇલમાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને પણ રોકવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો. લગભગ 15 મિનિટ સુધી પોલીસ અને અર્ણબ વચ્ચે ખેંચતાણ થઇ હતી. આ ઉપરાંત મહિલા પોલીસ અધિકારીઓએ અર્ણબની પત્ની પાસે અમૂક કાગળીયાઓ પર સહી લેવાનો  પ્રયત્ન કર્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યારબાદ વાયરલ થયો હતો જેમા આ તમામ ગતિવિધિઓ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. આ સંદર્ભે અર્ણબે પોલીસ પર મારપીટનો પણ આરોપ કર્યો હતો. આ સિવાય અર્ણબના પુત્રની પણ મારપીટ કરી હતી અને તેને દવા પણ લેવા દીધી નહોતી તેવો આરોપ અર્ણબે કર્યો હતો. જોકે પોલીસે અંતે અર્ણબને ખેંચીને પોલીસની વેનમાં બેસાડયો હતો.

અન્વય નાઇકે રિપબ્લિક ટીવી ચેનલના સ્ટુડિયોનુ કામ કર્યું હતું. તે માટે અર્ણબ તરફથી 6.40 કરોડ રૂપિયા ચુકાવવાના હતા જોકે અર્ણબે આ રકમમાંથી બાકી નીકળતા 83 લાખ રૂપિયાની ચુકવણી કરી નહોતી. એવો આરોપ છે કે વારંવાર પૈસાની માગણી કર્યા બાદ પણ બાકીના પૈસા ચુકાવવામાં આવતા નહોતા.

તેથી  માનસિક તાણમાં આવી અન્વય નાઇકે અલીબાગ પાસેના કાવીર ગામ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તેની માતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. અર્ણબ ગોસ્વામી અને અન્યોએ બાકી પૈસાની ચુકવણી ન કરતા નિરાશ થઇ ને આત્મહત્યા કરી રહ્યો હોવાનુ નાઇકે સુસાઇડ નોટમાં સ્પષ્ટ કર્યુ હતુ.

તાજેતરમાં અન્વય નાઇકની પત્ની અક્ષતાએ આ કેસ બાબતે સીઆઇડી તપાસની માગણી કરતા આઇપીસીની કલમ 306 હેઠળ આ પ્રકરણની ફરીથી તપાસ કરવાનો આદેશ  સરકારે આપ્યો હતો. બીજી તરફ ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમમાં સામેલ એક મહિલા અધિકારી સાથે અર્ણબ ગોસ્વામીએ ગેરવર્તન કરતા વધુ એક એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:19 am IST)