Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

કોવિડ-૧૯ની રસી જાન્યુઆરી ૨૦૨૧માં લોન્ચ થશે

સીરમ ઇન્સ્ટીટયૂટના પુનાવાલાનો નિર્દેશ : 'કોવિશિલ્ડ'નું માનવ પરિક્ષણ અને ઉત્પાદન ચાલુ : ટ્રાયલ સફળ થાય - મંજુરી મળે તો જાન્યુ.માં વેકસીન આવી જશે

નવી દિલ્હી તા. ૫ : કોરોનાની રસી જાન્યુઆરી ૨૦૨૧માં લોન્ચ થશે. સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પુનાવાલાએ કહ્યું કે, એક સુરક્ષિત અને પ્રભાવી વેકસીન આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થશે. પુનાવાલાની કંપની ભરતમાં ઓકસફર્ડ - એસ્ટ્રાજેનેકાએ બનાવેલી રસીનું વ્યકિતઓ પર ટ્રાયલ અને ઉત્પાદન કરી રહી છે. તેઓએ કહ્યું કે જો ટ્રાયલ સફળ થાય છે અને રેગ્યુલેટરી બોડીઝથી અપ્રૂવલ મળી જાય છે તો જાન્યુઆરી ૨૦૨૧માં વેકસીન આવશે. ઓકસફર્ડ - એસ્ટ્રાજેનેકાના કોવિડ વેકસીન ઉમેદવારના લેટ સ્ટેજ ટ્રાયલના પીરણામો આવતા મહીને આવશે.

પુનાવાલાએ કહ્યું કે, ભારત અને યુ.કે.માં ટ્રાયલ્સની સફળતા બાદ અપ્રૂવલ મળવા પર નિર્ભર કરશે કે રસી કયારે આવશે. જો બધુ જ વ્યવસ્થિત થશે તો જાન્યુઆરી ૨૦૨૧ સુધી વેકસીન અંગે ચિંતાની વાત નથી. પુનાવાલાના જણાવ્યા મુજબ ભારતમાં હજારો લોકોને રસી લગાવામાં આવી ચુકી છે. જો કે તેઓએ કહ્યું કે વેકસીનના લોન્ગ ટર્મ ઇફેકટ અને માલુમ પડવામાં બે થી ત્રણ વર્ષ લાગશે.  સીરમ ઇન્સ્ટીટયૂટના સીઇઓ મુજબ કોવિશીલ્ડ વેકસીન કેટલામાં મળશે તે અંગે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. પુનાવાલાએ કહ્યું કે તે સુનિશ્ચિત કરવામાં આવશે કે વેકસીન યોગ્ય દરો પર ઉપલબ્ધ કરાવાશે. તેઓએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે રસી દરેક લોકોને સરળતાથી મળી રહેશે.

(3:34 pm IST)