Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતાની સુરક્ષા કરવા માટે સંકલ્પબદ્ધ છીએ: સંરક્ષણમંત્રી રાજનાથસિંહ

રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજની હિરક જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા વેબિનારમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વ્યાપક સિદ્ધાંતો રેખાંકિત કર્યા

નવી દિલ્હી : સંરક્ષણમંત્રી રાજનાથસિંહએ આજે રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજ (NDC) ની હિરક જંયતિની ઉજવણીના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજનાથસિંહે 'ભારતની રાષ્ટ્રીય સુરક્ષા -  આગામી એક દાયકો' થીમ સાથે યોજવામાં આવેલા બે દિવસીય વેબિનાર (05-06 નવેમ્બર 2020)ને ખુલ્લો મુકતી વખતે સંબોધન આપ્યું હતું.

  રાજનાથસિંહે જણાવ્યું હતું કે, શાંતિ માત્ર યુદ્ધ રોકવાનું સામર્થ્ય કેળવીને જ સ્થાપિત શકાય છે. “દેશના ઉદય અને પડતીના ચડાવઉતાર આપણને સૌથી પાયાનો એવો બોધપાઠ શીખવે છે કે, જરૂરી નથી કે શાંતિની ઇચ્છા રાખવાથી શાંતિ પ્રાપ્ત થાય પરંતુ યુદ્ધ રોકવાના સામર્થ્યથી તે પ્રાપ્ત થાય છે. દુર્ભાગ્યવશ, શાંતિ મેળવવા માટેની માત્ર ઇચ્છા, જો અન્ય લોકો દ્વારા શાંતિ ના આપવામાં આવે તો, તે સલામતી, સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય હિતોના વિરોધાભાસી વિચારો દ્વારા ઘેરાયેલા વિશ્વમાં સૂમેળભર્યો માહોલ ઉભો કરવામાં સફળ થતી નથી.

 સંરક્ષણમંત્રી મંત્રીએ ચાર વ્યાપક સિદ્ધાંતો રેખાંકિત કર્યા હતા જે ભવિષ્યમાં ભારતની રાષ્ટ્રીય શાંતિ માટેની ઝંખનાને માર્ગદર્શન આપી શકે છે. “પ્રથમ સિદ્ધાંત એ છે કે, બાહ્ય જોખમો અને આંતરિક પડકારો વચ્ચે ભારતની પ્રાદેશિક અખંડિતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનું સામર્થ્ય. બીજો કે, એવી સુરક્ષિત અને સ્થિર પરિસ્થિતિઓનું નિર્માણ કરવાનું સામર્થ્ય જે ભારતના આર્થિક વિકાસને સહકાર આપી શકે અને તેના પરિણામરૂપે, રાષ્ટ્ર નિર્માણ માટે સંસાધોનું સર્જન કરી શકાય જેથી દેશવાસીઓની આકાંક્ષાઓ પૂર્ણ થઇ શકે. ત્રીજો સિદ્ધાંત કે, આપણે સરહદોથી પાર જ્યાં આપણા લોકો વસી રહ્યાં છે અને આપણા સુરક્ષા હિતોનું કવરેજ છે ત્યાં આપણા હિતોનું રક્ષણ કરવા માટેની ઇચ્છા પર અડગ રહેવું. અને અંતે ચોથો સિદ્ધાંત છે, અમે એવું પણ માનીએ છીએ કે વૈશ્વિકરણ અને એકબીજા સાથે સંકળાયેલા વિશ્વમાં, દેશની સુરક્ષાના હિતો સહિયારા અને સુરક્ષિત સમાન બાબતોથી એકબીજા સાથે જોડાયેલા હોય.”

રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે પુરવાર કરી બતાવ્યું છે કે, જે દેશો ત્રાસવાદને પોતાની રાષ્ટ્રીય નીતિના સાધન તરીકે આશરો આપે છે તેઓ પણ ભૂતકાળમાં અમલ કરવા યોગ્ય માનવામાં ના આવતા હોય તેવા વિકલ્પોથી અટકી શકે છે. તેમણે કહ્યું હતું કે, “પાકિસ્તાન પોતાની રાજકીય નીતિના ભાગરૂપે સતત ત્રાસવાદનો ઉપયોગ કરવાનું ચાલુ જ રાખે છે. જોકે, આપણે પ્રગતિકારક અને સમાન માનસિકતા ધરાવતા દેશો સાથે કામ કરીને નોંધપાત્ર પ્રમાણમાં પાકિસ્તાનને તેમની દુષ્ટ નીતિઓ બદલ ઉઘાડું પાડવામાં સફળતા મેળવી છે તેમજ સામાન્ય અભિગમ સાથે તેમની સાથે અગાઉના વ્યવસાયિક વ્યવહારો આગળ વધારવાનું પણ વધુને વધુ મુશ્કેલ કરી દીધું છે.”
  સંરક્ષણમંત્રીએ સમગ્ર પ્રદેશમાં અને તેનાથી આગળ સમાન માનસિકતા ધરાવતા મિત્ર દેશો સાથે સહિયારા હિતોને આગળ વધારવા માટે ભારતના ઘનિષ્ઠ સંબંધો અને ભાગીદારીને રેખાંકિત કર્યાં હતા. તેમણે ઉમેર્યું હતું કે, “અમેરિકા સાથે આપણી વ્યૂહાત્મક ભાગીદારી અગાઉ ક્યારેય ના હોય એટલી મજબૂત છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે, જાપાન, ઑસ્ટ્રેલિયા અને રશિયા સાથે ભારતની મિત્રતા ખૂબ જ મજબૂત થઇ છે. ભારતે ફ્રાન્સ અને ઇઝરાયલ જેવા ભરોસાપાત્ર મિત્ર દેશો સાથે પણ ખૂબ વિશેષ ભાગીદારીને આગળ વધારી છે.
ભારતની વિદેશ અને સુરક્ષા નીતિનું સૌથી મહત્વના ઘટકોમાંથી એક ઘટકને "સૌથી પહેલા પડોશી” પહેલ સાથે વર્ણવી શકાય છે. તેમણે કહ્યું કે, “2014થી, પ્રધાનમંત્રી મોદીએ આ સંબંધોનું નિર્માણ થાય અને સકારાત્મક તેમજ પ્રગતિપૂર્ણ ભાગીદારીને આગળ વધારી શકાય તે સુનિશ્ચિત કરવા માટે વ્યક્તિગતરૂપે નોંધપાત્ર પ્રમાણમાં ધ્યાન આપ્યું છે. આ પહેલના પરિણામો તેનો પુરાવો આપે છે. પાકિસ્તાનનો એજન્ડા ત્રાસવાદનો પોષવાનો હોવાથી તેને બાદ કરતા, ભારતે તમામ પડોશી દેશો સાથે સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવા છે. આપણે આપણા મિત્ર દેશોની મદદ અને સહકારથી પારસ્પરિક આદર અને પારસ્પરિક હિતોમાં સંબંધોને આગળ વધારવા માટે મોટાપાયે રોકાણ કર્યું છે.
   સંરક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયામાં આપણા ભાગીદાર દેશો સુધી પહોંચવા માટે વિશેષ રસ દાખવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ પહેલના પરિણામે જ આપણે પશ્ચિમમાં સાઉદી અરેબિયા, યુએઇ અને ઓમાન જ્યારે પૂર્વમાં ઇન્ડોનેશિયા, વિએતનામ અને દક્ષિક કોરિયા સાથે આપણા સંબંધોના અવકાશ અને ગુણવત્તામાં વધારો કરવામાં સફળતા મેળવી છે. આગામી એક દાયકામાં આ વલણ હજુ પણ આગળ વધશે તેવું મને લાગી રહ્યું છે.”
  ભારતના ક્ષમતા વિકાસ અને સ્વદેશીકરણની લાંબાગાળાની નીતિ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, અમારી તાજેતરમાં નિર્ધારિત કરવામાં આવેલી ખરીદીની નીતિ "મોટા OEM કે જેઓ ભારતમાં રોકાણ અને નિર્માણ કરવા માટે રુચિ ધરાવે છે  તેમની સાથે ભાગીદારી” આગળ વધારવા માટે પ્રોત્સાહન આપે છે. સંરક્ષણ વિનિર્માણ માટે અમારી મેક ઇન ઇન્ડિયાની દૂરંદેશીને લાંબાગાળે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અમલમાં મૂકવામાં આવી રહી છે.
  યુદ્ધની સતત વિકસતી અને બદલાતી લાક્ષાણિકતા અંગે વાત કરતા સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, “આ સંબંધે તાજેતરમાં અમે સંખ્યાબંધ પહેલ હાથ ધરી છે. માળખાકીય સ્તરે, ભારત પાસે વધુ ઘનિષ્ઠ આંતરિક રીતે સંકળાયેલ અને સંકલિત સુરક્ષા નેટવર્ક છે. અમે માત્ર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, CDSની નિયુક્તિ અને સૈન્ય બાબતોના વિભાગની સ્થાપના જ નથી કરી બલ્કે, સશસ્ત્ર દળોને મંચ અને કાર્યાત્મક બંને મોરચે વધુ એકીકૃત કરવાની દિશામાં પણ આગળ કામ કરી રહ્યાં છીએ.”
  સુરક્ષા પડકારો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આના માટે ત્રિપાંખિયો અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “આમાં ત્રાસવાદના કારણે અસરગ્રસ્ત ક્ષેત્રોમાં વિકાસ તેમજ પીડિતોને ન્યાય અપાવવાની જોગવાઇ સામેલ છે. આમાં, રાજકીય સમાધાન માટે અસંતુષ્ટ સમૂહો સાથે સમાધાનની વાટાઘાટો કરવા સુધીના અડધા માર્ગ પૂરતું આગળ વધવાના બદલે ત્યાંથી વિશેષ પગલાં લેવાની ઇચ્છા અને સામર્થ્ય પણ સામેલ કરવામાં આવ્યા છે. અને અંતે, જો યથાસ્થિતિ નિઃસહાય નાગરિકો અને સુશાસનની જોગવાઇઓનું શોષણ કરવાનું સાધન બની જાય તો, યથાસ્થિતિને પડકારવાની ઇચ્છા પણ અમે રાખીએ છીએ.”
  સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આર્થિક સુરક્ષાના વ્યાપક મુદ્દે સરકારે જમીન, શ્રમ, મૂડી અને ઉદ્યોગો સહિત તમામ ક્ષેત્રોના વિકાસના દરેક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર અને NDCના કમાન્ડન્ટ એર માર્શલ ડી. ચૌધરી પણ આ વેબિનારમાં ઉપસ્થિત રહ્યાં હતા.

(8:36 pm IST)