Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

‘હાઉડી મોદી’ અને ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં લોકો ઉમટ્યા છતા ટ્રમ્પને ભારતીયોનો ના મળ્યો સાથ

કે ભારતીય મૂળના અમેરિકન નાગરિકોએ સૌથી વધુ મત જો બિડેનને આપ્યા : ચીની મૂળના અમેરિકન વોટરોએ સૌથી વધુ મત ટ્રમ્પને જ આપ્યા !! ચીનના ક્રૂર કોમ્યુનિસ્ટ શાસન વિરૂદ્ધ ઉભા થવા માટે ટ્રમ્પની પ્રશંસા કરી

નવી દિલ્હી : અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો લાગતો જોવાઈ છે આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદી સાથે પ્રચાર કરનારા ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય મતદારો તરફથી ઝટકો લાગ્યો છે. ટ્રમ્પને આશા હતી કે ‘હાઉડી મોદી’ અને અમદાવાદમાં લાખોની ભીડને સંબોધિત કર્યા બાદ ભારતીય સમુદાય તેમની તરફ આવશે પરંતુ એવુ થયુ નથી.

નેશનલ એક્ઝિટ પોલના રિપોર્ટ અનુસાર 64 ટકા એશિયન અમેરિકન લોકોએ બિડેનના સમર્થનમાં મતદાન કર્યુ હતું અને માત્ર 30 ટકા મત ટ્રમ્પને મળ્યા છે. વર્ષ 2016માં પણ ચૂંટણી દરમિયાન લગભગ આટલા જ ટકા લોકોએ ટ્રમ્પનું સમર્થન કર્યુ હતું. અમેરિકામાં સૌથી વધુ વધી રહેલા મતમાં એશિયન અમેરિકન લોકોની સંખ્યા ઘણી વધુ છે. જોકે, કુલ મતોમાં તેમની સંખ્યા હજુ 5 ટકાથી ઓછી છે.

વિશ્વેષકોનું માનવુ છે કે સ્વિંગ સ્ટેટમાં એશિયન મૂળના અમેરિકન નાગરિક મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી શકે છે. એશિયન અમેરિકન વોટરોના સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ છે કે ભારતીય મૂળના અમેરિકન નાગરિકોએ સૌથી વધુ મત જો બિડેનને આપ્યા છે. બીજી તરફ વિયેટનામ મૂળના અમેરિકન નાગરિકોએ ચીનની વિરૂદ્ધ જોરદાર પ્રહાર કરનારા ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યુ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ચીની મૂળના અમેરિકન વોટરોએ સૌથી વધુ મત ડોનાલ્ડ ટ્રમ્પને જ આપ્યા છે.

ચીની નાગરિકોએ ચીનના ક્રૂર કોમ્યુનિસ્ટ શાસન વિરૂદ્ધ ઉભા થવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ (US Election 2020) ની સાથે સાથે કેટલાક રાજ્યમાં પણ ચૂંટણીમાં પાંચ મહિલાઓ સહિત એક ડઝનથી વધુ ભારત વંશીઓએ જીત મેળવી છે. ભારતીય-અમેરિકન સમુદાય માટે આવુ પ્રથમ વખત થયુ છે. આ સિવાય ચાર ભારતીય મૂળના ઉમેદવાદ- ડૉ. એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિ- અમેરિકન કોંગ્રેસના નીચેના ગૃહમાં સદન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ફરી ચૂંટાયા છે.

ભારતીય મૂળના ઓછામાં ઓછા ત્રણ એવા ઉમેદવાર છે જેમનો નિર્ણય થયો નથી અને તેમાંથી એક હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે મેદાનમાં છે. રાજ્ય વિધાનસભા માટે ભારતીય મૂળની જે પાંચ મહિલા ચૂંટાઇ છે, જેમાં ન્યૂયોર્ક રાજ્ય વિધાનસભા માટે જેનિફર રાજકુમાર, કેંટુકી રાજ્ય વિધાનસભા માટે નીમા કુલકર્ણી, વરમોંટ રાજ્ય સીનેટ માટે કેશા રામ, વોશિંગ્ટન રાજ્ય વિધાનસભા માટે વંદના સ્લેટ્ટર અને મિશિગન રાજ્ય વિધાનસભા માટે પદ્મા કુપ્પા સામેલ છે.

બીજી તરફ કચ્છના નીરજ અંતાણીને ઓહાયો રાજ્ય સીનેટ માટે ચૂંટવામાં આવ્યા છે. જય ચૌધરી નોર્થ કેરોલાઇના રાજ્ય સીનેટ માટે ફરી ચૂંટાયા છે. એરિજોના રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં અમીશ શાહે જીત મેળવી છે. નિખિલ સાવલ પેન્સિલવેનિયા રાજ્ય સીનેટ અને રાજીવ પુરી મિશિગન રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયા છે. ચૂંટણીના પરિણામો અનુસાર જર્મી કૂનીએ ન્યૂયોર્ક રાજ્ય સીનેટમાં પોતાની બેઠક પાક્કી કરી છે જ્યારે અશ કાલરા સતત ત્રીજી વખત કેલિફોર્નિયા વિધાનસભા માટે ચૂંટાયા છે.

(8:48 pm IST)