Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

અબજોપતિઓની જમાતમાં હેલ્થ સેકટરનાં ૭ નવા દિગ્ગજ

અબજોપતિઓની યાદીમાં ૧૩ નવા નામ ઉમેરાયા તો પાંચ નીકળી ગયા

મુંબઇ, તા.૬: દેશના દવા અને આરોગ્ય સુવિધા ક્ષેત્રમાંથી એક પછી એક એક અબજોપતિ પ્રમોટરો બહાર આવી રહ્યા છે. કોવિડ-૧૯ મહામારીના કારણે દવા અને આરોગ્ય ક્ષેત્રનું મહત્વ વધવાથી ૨૦૨૦માં આ ક્ષેત્રમાંથી ૭ અબજોપતિ પ્રમોટરો મળ્યા છે. છેલ્લા એક વર્ષમાં જેટલા પ્રમોટરોએ અબજોપતિનું માન મેળવ્યું છે તેમાં અડધાથી વધારે આ ક્ષેત્રના છે.

ગયા વર્ષે વિભીન્ન ક્ષેત્રોમાંથી ૧૩ પ્રમોટરો અબજપતિની યાદીમાં સામેલ થયા અને કંપનીની હેસીયત ઘટવાના કારણે પાંચ આ લીસ્ટમાંથી બહાર નીકળી ગયા. અત્યારે દવા અને આરોગ્ય સેવા ક્ષેત્રમાં ૧૭ અબજોપતિ પ્રમોટરો છે, જયારે ૨૦૧૯માં તેની સંખ્યા માત્ર ૧૦ હતી. આ ડીસેમ્બરના અંતમાં આ પ્રમોટરોની કુલ સંપતિ ૪.૩૫ લાખ કરોડ હતી. એક વર્ષ પહેલા તેમની સંપતિ ૨.૭ લાખ કરોડ રૂપિયા જ હતી. આમ છેલ્લા વર્ષમાં આ ૧૭ પ્રમોટર પરિવારોની કુલ હેસીયતમાં ૧.૬૫ લાખ કરોડ રૂપિયા એટલે કે લગભગ ૬૧ ટકાનો વધારો થયો. કોવિડ-૧૯ મહામારીના કારણે દવા કંપનીઓ, હોસ્પિટલ પરિચાલન કંપનીઓ, આરોગ્ય તપાસની કંપનીઓ અને દવાઓ માટે કાચો માલ બનાવનાર કેમીકલ કંપનીઓના શેર દોડયા હતા.

ઇપ્કા લેબ્સના પ્રેમચંદ ગોધા સંપતિમાં સૌથી વધુ નફો મેળવનારા પ્રમોટર રહ્યા અને ૨૦૨૦ પહેલી વાર અબજોપતિ બન્યા. આરોગ્ય સેવા ક્ષેત્રમાંથી નવા આવેલા અબજોપતિઓમાં એપોલો હોસ્પિટલના પ્રતાપ સી રેડ્ડી (સંપતિ ૧૦૩૪૦ કરોડ રૂપિયા), અજંતા ફાર્માના મન્નાલાલ અગ્રવાલ (૮૫૦૦ કરોડ રૂપિયા) અને નૈટકો ફાર્માના વીસી નન્ના પાણીની સામેલ છે. નન્ના પાણીની સંપત્તિ ૬૨ ટકા વધીને ૮પ૭૦ કરોડ રૂપિયા થઇ ગઇ હતી.

(11:08 am IST)