Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

જમ્મુ-કાશ્મીરને મળી શકે છે સ્પેશયલ આર્થિક પેકેજનો ભેટ

કેન્દ્રના પ્રધાન મંડળની મહત્ત્વની બેઠક તરફ મીટ

નવી દિલ્હી: કેન્દ્રના પ્રધાન મંડળની એક મહત્ત્વની બેઠક આજે મળવાની છે. આ બેઠકમાં જમ્મુ કશ્મીરને કોઇ મોટી ભેટ મળે એવી શક્યતા હોવાની વાતો પાવર લૉબીમાં થતી હતી. વડા પ્રધાન મોદીની હાજરીમાં મળનારી બેઠકમાં જમ્મુ કશ્મીરને ખાસ પેકેજ આપવાના મુદ્દે ચર્ચા થશે એવું જાણકાર સૂત્રોએ કહ્યું હતું. જમ્મુ કશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 2019ના ઑગષ્ટની પાંચમીએ જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ જમ્મુ કશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો હતો.

જમ્મુ કશ્મીરની પ્રજાની લાગણી જીતવા કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરતી રહી હતી. તાજેતરમાં જમ્મુ કશ્મીરના એક કરોડ ત્રીસ લાખ લોકોને દરેકને વરસે પાંચ લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમાની લહાણી કરવામાં આવી હતી. જમ્મ કશ્મીરવાસી લોકોના મનમાં સરકાર માટે કે દેશ માટે કોઇ ગેરસમજ હોય તો એ દૂર કરવાના પ્રયાસ રૂપે કેન્દ્ર સરકાર સતત કોઇને કોઇ પોઝિટિવ પગલું લેતી રહી હતી. આ રાજ્યને અર્થાત્ હવે કેન્દ્ર શાસિત પ્રદેશને સારું એવું મૂડીરોકાણ મળે અને બહારથી અહીં ઉદ્યોગો આવીને પોતાનાં એકમો સ્થાપે એવી પણ કેન્દ્ર સરકારની ઇચ્છા હતી. આ સીમાવર્તી રાજ્યમાં એક વાર ઇન્વેસ્ટમેન્ટ વધે તો સ્થાનિક લોકોને પણ બારે માસ રોજી રોટી મળતી થાય.

કેન્દ્રીય પ્રધાન મંડળની છેલ્લી બેઠકમાં પણ એવો અણસાર આપવામાં આવ્યો હતો કે જમ્મુ કશ્મીરને કેન્દ્ર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવશે. આજે મળનારી બેઠકમાં એ પેકેજની જાહેરાત થવાની શક્યતા હતી એમ જાણકાર સૂત્રોએ કહ્યું હતું. એકવાર જમ્મુ કશ્મીરની પ્રજા દેશના મુખ્ય પ્રવાહમાં જોડાય તો આપોઆપ પાકિસ્તાન તરફી આતંકવાદને જાકારો મળી જાય એમ નિષ્ણાતો માનતા હતા. એટલે આજે મળનારી પ્રધાન મંડળની બેઠક મહત્ત્વની છે.

(12:02 pm IST)