Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

એનર્જી ક્ષેત્રે કુદરતી ગેસનો ફાળો બમણો થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કોચી-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈનનું ઉદ્ઘાટન : ગરીબો, મધ્યમવર્ગના લોકો અને બંને રાજ્યોના ઉદ્યોગ સાહસિકોના ખર્ચમાં ઘટાડો થશે એવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશા

નવી દિલ્હી, તા. ૬ : પોતાના સરકારની ઊર્જા ક્ષેત્રની રૂપરેખાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે ભારતના એનર્જી ક્ષેત્રે કુદરતી ગેસનો ફાળો બમણાંથી વધુ થઇ જશે. હવે એનર્જીના સુત્રો વિસ્તર્યા છે અને દેશ લોકો અને ઉદ્યોગને પોષણક્ષમ ફ્યુએલ લાવવામાં મદદ મળે તે માટે એક ગેસ પાઇપલાઇન ગ્રિડથી જોડાઇ જશે.

કોચી – મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્દઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રીડના નિર્માણની દિશામાં એક સીમાચિહ્ન તરીકે અંકિત થશે, તેમ વડાપ્રધાને જણાવ્યુ હતુ. આ પ્રસંગે કર્ણાટક અને કેરળના રાજ્યપાલ, મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના પ્રાસંગિક સંબોધનમાં કહ્યુ કે કેરળ અને કર્ણાટક એમ બંને રાજ્યોના લોકો માટે આ એક સીમાચિહ્નરૂપ દિવસ છે. કારણ આ બંને રાજ્યો પ્રાકૃતિક ગેસની પાઈપલાઈનથી એકબીજાની સાથે જોડાઈ રહ્યા છે. તેની સાથે બંને રાજ્યોના આર્થિક વિકાસ પર પણ તેનો સકારાત્મક પ્રભાવ પડશે. ૪૫૦ કિલોમીટરની લંબાઈ ધરાવતી આ ગેસ પાઈપલાઈનના ફાયદાઓ ગણાવતા વડાપ્રધાને વધુમાં જણાવ્યુ કે તેનાથી બંને રાજ્યોના લોકોના જીવનધોરણે સરળ બનાવવામાં સુધારો આવશે. ગરીબો, મધ્યમવર્ગના લોકો અને બંને રાજ્યોના ઉદ્યોગ સાહસિકોના ખર્ચમાં ઘટાડો આવશે. તેની સાથે આ પાઈપલાઈન નાના માટો શહેરી વિસ્તારોમાં ગેસ વિતરણ પ્રણાલીનો આધાર બની જશે અને તેનાથી આ શહેરોમાં સીએનજી આધારિત પરિવહન પ્રણાલીનું પણ સર્જન થશે.

(7:40 pm IST)