Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

૨૦૨૧માં ભારતમાં રેકોર્ડબ્રેક ૧૦૫૦ ટન સોનાની આયાત : ૨૦૨૦ના વર્ષની સરખામણીમાં બમણી

૨૦૨૦માં સામાજીક પ્રસંગોની મોકુફી અને સોનાના ભાવમાં પ્રમાણમાં ઘટાડો થતા ૨૦૨૧માં વિક્રમી આયાત

નવી દિલ્હી :  કોરોના મહામારીની વચ્ચે વર્ષ ૨૦૨૧માં ભારતીયો દ્વારા સોનાની જરુરીયાતને પહોંચી વળવા માટે ૧૦૫૦ ટન સોનાની આયાત થઇ છે જે ૨૦૨૦ના વર્ષની સરખામણીમાં બમણી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૨૧ના વર્ષમાં સોનાની માંગમાં ઉછાળો આવવાનું કારણ ૨૦૨૦માં સામાજીક પ્રસંગોની મોકુફી અને સોનાના ભાવમાં પ્રમાણમાં આવેલો ઘટાડો છે.

૨૦૧૯ના વર્ષના અંતમાં કોરોના વાયરસની ચીનથી શરુઆત થતા તેની અસરના ભાગરુપે માર્ચ ૨૦૨૦માં ભારતમાં કડક લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ૬૯ દિવસની સખત ઘરવાસ દરમિયાન ઉધોગ, વેપાર ધંધા, ઉત્પાદન અને વેચાણ ઠપ્પ થઇ જતા સામાન્ય જનજીવન ઠપ્પ થઇ ગયું હતું. લોકડાઉનના કારણે જ સામાજીક પ્રસંગો,મેળાવડા અને ખાસ કરીને ધામધૂમથી ઉજવાતા લગ્ન પ્રસંગો અટકી ગયા હતા

ભારતમાં ૨૦૨૦માં ૨૨ અબજ ડોલરનું સોનું ખરીદવા માટે ખર્ચાયા હતા જે ૨૦૨૧ના વર્ષમાં ૪૪ અબજ ડોલરથી પણ વધારે છે. ભારત દુનિયામાં સોનાનો સૌથી મોટો ખરીદાર દેશ છે. આથી જ તો ૨૦૨૧માં પહેલાના તમામ રેકોર્ડ તુટી ગયા છે. સોનાની માંગ ૧૦૫૦ ટન જે છેલ્લા એક દાયકામાં સૌથી વધારે છે. જાણકારોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સ્થિરતાએ ભારતીયોને સોનાની ખરીદી કરવા પ્રેરાયા હોય તેવી શકયતા છે.

ઓગસ્ટ ૨૦૨૦માં સોનાની કિંમત ભારતીય બજારમાં ૧૦ ગ્રામ સોનાની કિંમત રેકોર્ડતોડ ૫૬૧૯૧ રુપિયા હતી જે માર્ચ ૨૦૨૧માં ૪૩૩૨૦ સુધી આવી ગઇ હતી.આ ઘટેલા ભાવના સમયે જ ૧૭૭ ટન સોનુ આયાત થયું હતું. જયારે ડિસેમ્બર મહિનામાં ૮૬ ટન સોનાની આયાત થઇ હતી. ૨૦૨૨માં કોરોના સંક્રમણ દેશ અને દુનિયામાં જે રીતે વધી રહયું તે જોતા લોકડાઉન કે એ પ્રકારના કડક પગલાની શકયતા જોતા સોનાની માંગ પર અસર થઇ શકે છે.

(1:00 am IST)